પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાના નિર્ણયને વધુ એક મહિના માટે લંબાવ્યો છે. બુધવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંના જવાબમાં પાકિસ્તાને આ પ્રતિબંધ લાદ્યો હતો. શરૂઆતમાં આ પ્રતિબંધ ૨૩ મે સુધી લાગુ કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના નિયમો અનુસાર, કોઈપણ દેશ એક સમયે એક મહિનાથી વધુ સમય માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લાદી શકતો નથી, તેથી હવે તેને બીજા મહિના માટે લંબાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર દ્વારા આ જાહેરાત બુધવાર અથવા ગુરુવારે કરવામાં આવી શકે છે અને આ માટે એરમેનને નોટિસ (NOTAM) પણ જારી કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધારે છે.
7 મેના રોજ, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાનું કહેવું છે કે 10 મેના રોજ ભારતે 8 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યા પછી, પાકિસ્તાને ભારતને લશ્કરી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી હતી.
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હોય. આ પહેલા પણ પાકિસ્તાને 1999ના કારગિલ યુદ્ધ અને 2019ના પુલવામા હુમલા પછી આવો પ્રતિબંધ લગાવ્યો હતો.





