Home International Trump Big Claim On Iran Leaders Khamenei Funeral Gujarati News

'એક જ હુમલામાં બધાનો અંત લાવી શકતા હતા' : ટ્રમ્પનો ઈરાનના ટોચના નેતાઓને લઈને મોટો દાવો, પરમાણુ વાટાઘાટોના પણ આપ્યા સંકેત

ટ્રમ્પની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jul 05, 2026, 08:58 AM IST

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ઇચ્છે તો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર પ્રસંગે હાજર રહેલા ઈરાનના તમામ ટોચના નેતાઓને એક જ હુમલામાં નિશાન બનાવી શકે તેમ હતું. જોકે, અમેરિકાે આવું પગલું ભર્યું નહીં કારણ કે ત્યારબાદ વાતચીત માટે કોઈ નેતૃત્વ જ બાકી રહેતું નહીં. ટ્રમ્પે આ નિવેદન એક્સિઓસ (Axios)ને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ ફરી એકવાર અમેરિકા-ઈરાન સંબંધો અને પશ્ચિમ એશિયાની રાજકીય સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ બની છે.

"અમારે બધાને ખતમ કરવાની ક્ષમતા હતી"

ટ્રમ્પે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમેરિકા પાસે એવી સૈન્ય ક્ષમતા છે કે એક જ હુમલામાં ઈરાનના તમામ મહત્વના નેતાઓને નિશાન બનાવી શકાય. જોકે તેમણે ઉમેર્યું કે આવું કરવાથી ભવિષ્યમાં કોઈ રાજદ્વારી સંવાદ શક્ય રહેતો નહીં.

ટ્રમ્પના જણાવ્યા મુજબ અમેરિકાની પ્રાથમિકતા માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ પરમાણુ કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર ઈરાન સાથે વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખવાનો પણ પ્રયાસ છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સમજૂતી કરવા માટે તૈયાર હોવાનું જણાય છે અને તે કોઈને કોઈ રીતે અમેરિકા સાથે ચર્ચા શરૂ કરવા ઈચ્છે છે.

આ પણ વાંચો: મોંઘવારીના માર વચ્ચે રાહતની આશા! : પેટ્રોલ-ડીઝલના ભાવ પર પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ આપ્યા મોટા સંકેત

ઈરાન સાથે ફરી વાટાઘાટોની શક્યતા

ટ્રમ્પે પોતાના નિવેદનમાં સંકેત આપ્યો કે પરમાણુ મુદ્દે બંને દેશો વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ શકે છે. અમેરિકાએ લાંબા સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે ઈરાન પોતાના કાર્યક્રમને શાંતિપૂર્ણ હેતુઓ માટે હોવાનું જણાવે છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે પ્રતિબંધો, સૈન્ય કાર્યવાહીઓ અને પ્રાદેશિક તણાવને કારણે સંબંધોમાં સતત કડવાશ રહી છે. તેમ છતાં ટ્રમ્પનું નિવેદન દર્શાવે છે કે અમેરિકા રાજદ્વારી વિકલ્પોને સંપૂર્ણપણે બંધ કરવા માંગતું નથી.

અંતિમ યાત્રામાં ઉમટી પડેલી ભીડથી ટ્રમ્પ આશ્ચર્યચકિત

ટ્રમ્પે ઈરાનમાં યોજાયેલા અંતિમ સંસ્કાર કાર્યક્રમ અંગે પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તેમને એવી ધારણા હતી કે ઈરાનની જનતા ખામેનેઈ પ્રત્યે અસંતોષ ધરાવે છે, પરંતુ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભીડમાં દેખાતા આંસુ કેટલા સાચા હતા તે અંગે તેઓ નિશ્ચિત નથી. તેમના આ નિવેદનને લઈને વિવિધ રાજકીય વિશ્લેષકો અલગ-અલગ અર્થઘટન કરી રહ્યા છે.

આ પણ વાંચો: હોર્મુઝ સંકટ ખતમ! સરકારે ગેસ પર લગાવેલા તમામ પ્રતિબંધો હટાવ્યા : ચાર મહિના બાદ સપ્લાય સામાન્ય, ઉદ્યોગોને રાહત; હવે પેટ્રોલ-ડીઝલના ભાવ પર સૌની નજર

લાખો લોકોની હાજરીના દાવા

ઈરાનના સત્તાવાર વર્તુળો અનુસાર અલી ખામેનેઈની અંતિમ યાત્રા ઈરાન ઉપરાંત ઈરાકના કેટલાક શહેરોમાં પણ યોજાઈ રહી છે. આ ધાર્મિક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને ઈરાન માટે માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા અને રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

નિષ્ણાતો શું કહે છે?

આંતરરાષ્ટ્રીય મીડિયા અને વિશ્લેષકોના મતે ભવ્ય અંતિમ યાત્રા દ્વારા ઈરાને અમેરિકા અને ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે દેશનું રાજકીય નેતૃત્વ દબાણ કે ધમકીઓ સામે ઝુકશે નહીં.

વિશ્લેષકોનું માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા ઈરાન પોતાના આંતરિક સમર્થન અને રાજકીય સ્થિરતાનું પ્રદર્શન કરવા માંગે છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સ્થિતિ મજબૂત દેખાય.

પશ્ચિમ એશિયામાં યથાવત તણાવ

અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી તણાવપૂર્ણ રહ્યા છે. પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, પ્રાદેશિક સુરક્ષા અને સૈન્ય કાર્યવાહી જેવા મુદ્દાઓને કારણે પરિસ્થિતિ અનેક વખત ગંભીર બની છે.

ટ્રમ્પનું તાજેતરનું નિવેદન પણ આ જ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે આવ્યું છે. જોકે, તેમના નિવેદન અંગે ઈરાન તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો: ખામેનેઈને શ્રદ્ધાંજલિ દરમિયાન વાંચાયેલી કુરાનની આયત અંગે વિવાદ : જાણો આખો મામલો

રાજદ્વારી અને સુરક્ષા વચ્ચેનું સંતુલન

ટ્રમ્પના નિવેદનથી એક તરફ અમેરિકાની સૈન્ય ક્ષમતાનો સંકેત મળે છે તો બીજી તરફ તેમણે વાટાઘાટોની શક્યતા પણ જીવંત હોવાનું દર્શાવ્યું છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે કોઈ નવી ચર્ચા શરૂ થાય છે કે નહીં તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. પશ્ચિમ એશિયાની અસ્થિર પરિસ્થિતિમાં આવા નિવેદનો રાજકીય અને રાજદ્વારી બંને દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદ આગળ વધે છે કે તણાવ વધુ ઘેરો બને છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now