Home Gujarat Vadodara Padra Phulbagh Chokdi Dumper Bike Accident Ranu Village Man Live Lost

યમરાજ બનીને દોડતા ડમ્પરે વધુ એકનો ભોગ લીધો : ફૂલબાગ ચોકડી પાસે આધેડને કચડ્યા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Vadodara Padra Accident News
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 09:55 AM IST

Padra Accident News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. પાદરા-જંબુસર હાઈવે પર આવેલી વ્યસ્ત ફૂલબાગ ચોકડી પાસે આજે સવારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર આધેડ ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, રણુ ગામના રહીશ દિલીપભાઈ પટેલ પોતાની મોટરસાયકલ લઈને ફૂલબાગ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને દિલીપભાઈની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દિલીપભાઈ રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

આ પણ વાંચો: ચૂંટણી ટાણે વારસિયામાં રાજકીય સંગ્રામ : વારસિયામાં ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ વચ્ચે જામી, પત્રિકા વિતરણ મુદ્દે હોબાળો

ભારે વાહનોના ત્રાસથી લોકરોષ ફાટી નીકળ્યો

અકસ્માતની ઘટના બાદ પાદરા-જંબુસર હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે હાઈવે પર ભારે વાહનોના ચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ગતિ મર્યાદા કે ભારે વાહનોના નિયમન અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પરિણામે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, ટ્રાફિક ક્લિયર કરાવાયો

ઘટનાની ગંભીરતાને જોતા પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ફૂલબાગ ચોકડી પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડીને પૂર્વવત કરી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now