Vadodara Election 2026: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના રાજકીય મેદાનમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ધોબી તળાવ પાસેના સુપ્રસિદ્ધ પ્રેમ પ્રકાશ મંદિર ખાતે ભાજપના ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો. પ્રચાર પત્રિકાના વિતરણ જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં વોર્ડ નંબર 6 માં પક્ષો વચ્ચેની ખેંચતાણ હવે રસ્તા પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં વારસિયામાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાના નશામાં ભાજપના નેતાના પિતા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ મામલે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રેમ પ્રકાશ મંદિર પાસે પત્રિકા વિતરણ મુદ્દે ભડકો
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર પવન હેમનાનીના પિતા પરસોત્તમ હેમનાની અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે પ્રેમ પ્રકાશ મંદિરના દ્વાર પાસે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસની મહિલા કાર્યકરો ઘરે-ઘરે જઈને પોતાની પાર્ટીની પ્રચાર પત્રિકાઓનું વિતરણ કરી રહી હતી. આ દરમિયાન પરસોત્તમ હેમનાનીએ ત્યાં પહોંચીને પત્રિકા વિતરણનો સખત વિરોધ કર્યો હતો. દલીલો એટલી હદે વધી ગઈ હતી કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
મહિલાઓને મંદિરની બહાર કાઢ્યાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
કોંગ્રેસ પક્ષ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પરસોત્તમ હેમનાનીએ માત્ર પ્રચારનો વિરોધ જ નથી કર્યો, પરંતુ મહિલા કાર્યકરો સાથે ઉદ્ધત વર્તન કરી તેમને બળજબરીપૂર્વક મંદિરના પરિસરની બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસની મહિલા કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. "મહિલાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં" તેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલો બિચકતા આસપાસના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
વારસિયામાં પોલીસ બંદોબસ્ત અને રાજકીય માહોલ
ચૂંટણીના આરે જ વારસિયા જેવા સંવેદનશીલ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં સ્થાનિક પોલીસ પણ સતર્ક બની છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 6 ના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી વિરોધી ગણાવી છે, જ્યારે ભાજપ છાવણી આને કોંગ્રેસનો પ્રોપેગેન્ડા ગણાવી રહી છે. પ્રચાર દરમિયાન થયેલી આ ખેંચતાણ આગામી મતદાન પર કેવો પ્રભાવ પાડે છે અને આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું.





