Amazing Facts: હોસ્પિટલની સફેદ ગલીઓમાંથી પસાર થઈને જ્યારે કોઈ દર્દી ઓપરેશન થિયેટર (OT) ના દરવાજાની અંદર પગ મૂકે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે તેને અનુભવાય છે તે છે ત્યાંની થીજવી દે તેવી ઠંડી. બહાર ભલે ગમે તેટલી કાળઝાળ ગરમી હોય, પણ OT ની અંદરનું વાતાવરણ હંમેશા શિમલા-મનાલી જેવું જ રહે છે. ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે આખરે આટલી બધી ઠંડી કેમ રાખવામાં આવે છે? શું આ બેક્ટેરિયાને મારવા માટે છે કે પછી ડોક્ટરોને આરામદાયક અનુભવ કરાવવા માટે? શું આટલી ઠંડીમાં સર્જનના હાથ નથી ધ્રૂજતા? આ 'ચિલિંગ' સાયન્સ પાછળ છુપાયેલા તર્કને સમજવો ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ માત્ર આરામની વાત નથી, પરંતુ દર્દીની સુરક્ષા અને સર્જરીની સફળતા સાથે જોડાયેલી બાબત છે.
પરસેવાનું એક ટીપું પણ બની શકે છે જીવલેણ જોખમ
મોટાભાગની હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરનું તાપમાન 18°C થી 23°C ની વચ્ચે સેટ કરવામાં આવે છે, જ્યારે કેટલીક ખાસ સર્જરી માટે તેને 16°C સુધી પણ ઘટાડવામાં આવે છે. આ સાથે ભેજ (Humidity) નું પ્રમાણ પણ 20% થી 60% ની વચ્ચે નક્કી રાખવામાં આવે છે. આ કડકતી ઠંડીનું સૌથી મોટું કારણ સર્જન અને મેડિકલ સ્ટાફની સુવિધા છે. ઓપરેશન દરમિયાન ડોક્ટર સ્ક્રબ, સ્ટેરાઈલ ગાઉન, કેપ, માસ્ક અને ગ્લવ્સ જેવા અનેક સ્તરોવાળા કપડાં પહેરે છે. તેના ઉપર માથા પર સળગતી તેજ સર્જિકલ લાઈટ્સ ઘણી વધારે ગરમી પેદા કરે છે. જો રૂમ ઠંડો ન હોય, તો ડોક્ટરને પરસેવો થઈ શકે છે. પરસેવાનું એક પણ ટીપું જો ખુલ્લા ઘા અથવા સ્ટેરાઈલ સાધનો પર પડે, તો ચેપ (Infection) નું જોખમ અનેકગણું વધી જાય છે. તેથી, આ ઠંડક તેમને પરસેવાથી દૂર અને માનસિક રીતે ફોકસ રાખે છે.
આ પણ વાંચો: અમદાવાદ માટે ભાજપનું ભવ્ય સંકલ્પ પત્ર : રિવરફ્રન્ટનાં વિસ્તરણથી લઈને 3000 ઈલેક્ટ્રિક બસનાં આપ્યા વચનો
મશીનોનું સ્વાસ્થ્ય અને બેક્ટેરિયા પર નિયંત્રણ
OT ની અંદર માત્ર માણસો જ નહીં, પરંતુ લાખો-કરોડોની હાઈ-ટેક મશીનો પણ કામ કરી રહી હોય છે. લેપ્રોસ્કોપિક સિસ્ટમ, મોનિટર્સ અને ઈલેક્ટ્રો-સર્જિકલ યુનિટ્સ સતત ચાલવાને કારણે ઘણી ઉષ્મા (Heat) પેદા કરે છે. જો વાતાવરણ ઠંડું ન હોય, તો આ સેન્સિટિવ મશીનો ઓવરહીટ થઈને બગડી શકે છે અથવા ખોટું રીડિંગ આપી શકે છે. આ સિવાય, એક સામાન્ય માન્યતા એવી છે કે ઠંડી બેક્ટેરિયાને મારી નાખે છે. જોકે ઠંડી બેક્ટેરિયાને સંપૂર્ણપણે ખતમ નથી કરતી, પરંતુ તે તેમના ફેલાવાની ગતિને ઘણી ધીમી જરૂર કરી દે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જંતુઓ ઝડપથી વધે છે, જ્યારે ઠંડું અને શુષ્ક વાતાવરણ ચેપને ફેલાતો અટકાવવા માટે એક વધારાના સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.
ઠંડીમાં સર્જનના હાથ અને દર્દીની સુરક્ષાનું સત્ય
અવારનવાર લોકો ડરતા હોય છે કે આટલી ઠંડીમાં ડોક્ટરના હાથ ધ્રૂજવાથી સર્જરી બગડી શકે છે, પરંતુ એવું થતું નથી. વર્ષોની સખત મહેનત અને તાલીમથી સર્જન પોતાના હાથના સ્નાયુઓ પર ગજબનું નિયંત્રણ મેળવી લે છે. તેઓ આર્મ રેસ્ટ અને વિશેષ પોઝિશનનો ઉપયોગ કરે છે જેથી હાથ સ્થિર રહે. નવાઈની વાત એ છે કે આ ઠંડક દર્દી માટે ઘણીવાર પડકારજનક હોય છે. ખૂબ ઓછા તાપમાનથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અથવા લોહીનો પ્રવાહ ધીમો થઈ શકે છે. એટલા માટે, જ્યાં ડોક્ટર ઠંડીમાં કામ કરે છે, ત્યાં જ દર્દીને સુરક્ષિત રાખવા માટે વોર્મ બ્લેન્કેટ્સ, ફોર્સ્ડ એર વોર્મર અને શરીરમાં ચઢાવવામાં આવતા ફ્લુઈડ્સને ગરમ કરીને આપવામાં આવે છે. એટલે કે એક જ રૂમમાં ડોક્ટર માટે ઠંડી અને દર્દી માટે ગરમીનું સંતુલન જાળવવામાં આવે છે.
આ પણ વાંચો: ‘બેનરો ઉતારી લેજો નહીંતર ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે’ : મધુ શ્રીવાસ્તવનો હુંકાર, વિરોધીઓને આડે હાથ લીધા





