Vadodara Politics: વડોદરામાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ગરમાયો છે. શહેરના વોર્ડ નંબર 15માં આવેલી કેટલીક સોસાયટીઓમાં ‘કોંગ્રેસે પ્રવેશ કરવો નહીં’ તેવા રામભક્તિના નામે લાગેલા બેનરો પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આક્રમક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસને બિનશરતી ટેકો જાહેર કર્યા બાદ મધુ શ્રીવાસ્તવ હવે વિરોધીઓ સામે મેદાને પડ્યા છે. તેમણે સીધી ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જે લોકોએ આવા બેનરો લગાવ્યા છે તે વહેલી તકે ઉતારી લે, નહીંતર ચૂંટણીના પરિણામો બાદ તેમને બચાવવા કોઈ નહીં આવે.
અમે અસલી સનાતની, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી
મધુ શ્રીવાસ્તવે બેનરો લગાવનાર તત્વોને આડે હાથ લેતા કહ્યું હતું કે, "અમે વર્ષોથી રામભક્ત છીએ અને સાચા સનાતની છીએ. રામભક્તિ સાબિત કરવા અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. અમે અમારી વડલોપાર્જિત જમીનો વેચીને હનુમાનજીની ભવ્ય અને ઊંચી પ્રતિમા બનાવી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો આજે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે અને પ્રવેશબંધીના બેનરો લગાવી રહ્યા છે, તેમને આ મધુ શ્રીવાસ્તવ હરાવવાની તાકાત આજે પણ રાખે છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપનો શંખનાદ : 40 બેઠક બિનહરીફ
શૈલેષ મહેતા પર આકરા પ્રહારો: ‘જમીનો હડપવાનું કામ અમારું નથી’
વિરોધીઓ પર નિશાન સાધતા મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "કેટલાક નેતાઓ સ્કૂલો ખોલીને લોકો સાથે છેતરપિંડી કરે છે, પેટ્રોલ પંપો બનાવે છે અને જમીનો હડપવાના ધંધા કરે છે. મારી પાસે 250 વીઘા જમીન હતી, જેમાંથી રાજકારણ અને પ્રજાની સેવામાં ખર્ચ કરતા હવે માત્ર 35 વીઘા જ રહી છે." તેમણે આ નેતાઓને ‘બની બેઠેલા’ ગણાવીને હવે પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
‘તમને જીતાડનાર પણ હું હતો અને હરાવનાર પણ હું જ હોઈશ’
રાજકીય વજન બતાવતા મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો હતો કે અગાઉ આ વિસ્તારમાં જે જીત મળી હતી તેની પાછળ તેમનો હાથ હતો, અને હવે હારનો સ્વાદ ચખાડવાની જવાબદારી પણ તેમની જ છે. તેમણે જણાવ્યું કે તેમની દીકરીઓ છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારની નિઃસ્વાર્થ સેવા કરી રહી છે. કોંગ્રેસને બિનશરતી ટેકો આપવાની જાહેરાત સાથે તેમણે મતદારોને અપીલ કરી હતી કે હવે સમય આવી ગયો છે કે આવા લોકોને જાકારો આપીને સત્તા પરથી દૂર કરવામાં આવે.





