Home Gujarat Online Admission Allocation To 115 Residential Schools For More Than 20 Thousand Children Who Passed The Cet For Class Five Students Has Been Completed

ધોરણ 5 નાં વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETમાં ઉત્તીર્ણ : 20 હજારથી વધુ બાળકોની 115 નિવાસી શાળામાં ઓનલાઈન પ્રવેશ ફાળવણી સંપન્ન

ધોરણ 5 નાં વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETમાં ઉત્તીર્ણ
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 02:06 PM IST

રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા કોમન પોર્ટલના માધ્યમથી આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થઈને મેરીટમાં સમાવિષ્ટ થયેલા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓમાં પ્રવેશની ઉત્તમ તક પૂરી પાડવાનો અભિગમ શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અપનાવ્યો છે.

તદઅનુસાર, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે ૨૨ માર્ચે સમગ્ર રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ CETમાં સફળતા મેળવેલા ધોરણ પાંચના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશીપ અને નિવાસી શાળાની ફાળવણી કરી હતી.

આ ફાળવણી અંતર્ગત ૪૨ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ૧૨,૪૫૦, ૧૩ સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ૩૯૦૦, ૧૦ રક્ષાશક્તિ સ્કૂલમાં ૭૦૦ અને ૨ સૈનિક સ્કુલ સહિત ૫૦ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ્સ-EMRSમાં ૩૦૨૦ વિદ્યાર્થીઓની પ્રવેશ માટે ફાળવણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આ ફાળવણી સાથે ૧૪,૫૯૫ કુમાર અને ૧૫,૪૦૫ કન્યાઓ મળીને કુલ ૩૦ હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અન્વયે રૂપિયા ૧૬ કરોડથી વધુની રકમ DBTના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ કરવામાં હતી.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે આપવામાં આવે છે. આ માટેની પરીક્ષામાં ઉમેદવારીની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૫-૨૬ ના વર્ષ માટે કુલ ૫૦,૦૭૦ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને નિવાસી શાળા અથવા સ્કોલરશીપની ઓનલાઈન ફાળવણી કરી તે પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથ કુમાર અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now