Home Gujarat One Sheet And Rs 1500 Crore Land Scam Revealed In Surendranagar

એક શીટ અને રૂ.1500 કરોડનું જમીન કૌભાંડનું ખુલ્યું રાઝ? : શીટમાં વચેટિયાઓનું નામ, કમિશન, એટલું જ નહીં..., સુરેન્દ્રનગરમાં અધિકારીઓનો કૌભાંડ કારસ્તાન!

એક શીટ અને રૂ.1500 કરોડનું જમીન કૌભાંડનું ખુલ્યું રાઝ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 11:17 AM IST

Surendranagar ED Investigation : સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનને NA (બીન ખેતી) કરાવવા માટે થયેલા અંદાજે રૂ.1500 કરોડના મોટા કૌભાંડનો ભેદ એક શીટ મળતાં ખુલ્યો હોવોની વિગતો સામે આવી છે. આ કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સહિત કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાની સંડોવણી સામે આવી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 23 ડિસેમ્બર, 2025ના રોજ EDએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLA એક્ટની કલમ 17 હેઠળ સર્ચ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી રૂ.67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી.

વચેટિયા દલાલો અને કમિશન એજન્ટોના નામ પણ લખેલા હતા

ACBમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખુલાસો થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ જમીન NA કરાવવાના બદલામાં રૂ.1 કરોડની લાંચ લીધી હતી. આ લાંચમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ચંદ્રસિંહે લીધેલી લાંચમાં કલેક્ટરની પણ સંડોવણી હોવાનું EDના દસ્તાવેજોમાં સામે આવ્યું છે. EDને સર્ચ દરમિયાન એક મહત્વપૂર્ણ પ્રિન્ટેડ શીટ મળી આવી છે, જેમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું માનવામાં આવે છે. આ શીટમાં ઓનલાઇન અરજી નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, અરજીનો પ્રકાર સહિતની સંપૂર્ણ માહિતી નોંધાયેલી હતી. સાથે જ તેમાં વચેટિયા દલાલો અને કમિશન એજન્ટોના નામ પણ લખેલા હતા.

શીટ તથા અન્ય દસ્તાવેજોના આધારે અનેક વ્યક્તિઓના નામ ખુલશે

આ શીટમાં દર્શાવેલા ડેટા મુજબ, કુલ 2 લાખ 61 હજાર 332 સ્કવેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે રૂ.26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનું ખુલાસો થયો છે. શીટના નીચેના ભાગે પેનથી કોને કેટલા રૂપિયા આપવાના તે અંગેનું લખાણ પણ મળ્યું છે, જે તપાસ માટે મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવે છે. EDના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે ED દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ED દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને મળેલી શીટ તથા અન્ય દસ્તાવેજોના આધારે કૌભાંડની વ્યાપકતા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા સામે આવવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now