Home Gujarat One Ki In Hit And Run In Ahmedabad

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત : કારચાલકે બાઈકને ટક્કર મારી, રોડ પર ઘસડાયો, અંતે મોત

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 11:34 AM IST

Ahmedabad Accident News : અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે બેફામ ઝડપે વાહન ચલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. આવી જ એક કરુણ હિટ એન્ડ રનની ઘટના ગઈકાલે 1 જાન્યુઆરીની મોડી રાત્રે સામે આવી છે, જેમાં બેફામ કારચાલકે બાઈકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, 45 વર્ષીય ચંદ્રકાંત પંચાલ પોતાની બાઈક પર અર્ચનાબેન ઓઝાને બેસાડીને પાલડી તરફથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

બાઈકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

કારની ટક્કરથી બાઈક રોડ પર દૂર સુધી ઢસડાઈ ગયું હતું. આ અકસ્માતમાં ચંદ્રકાંત પંચાલ રોડ પર ઘસડાતા તેમને જમણા હાથ તેમજ છાતીના ભાગે પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે એસવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ કારચાલક કોઈ મદદ કર્યા વિના ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

બેફામ ડ્રાઇવિંગ!

હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં રાત્રિના સમયે બેફામ ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનની વધતી ઘટનાઓ સામે ગંભીર ચિંતા ઊભી કરી છે. નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે ટ્રાફિક નિયમોના કડક અમલ અને જવાબદાર ડ્રાઇવિંગ જરૂરી બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now