Ahmedabad Distric Local Body Elections: અમદાવાદમાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી અગાઉ મોટું અપડેટ આવ્યું છે. જિલ્લા પંચાયત તેમજ બાવળા, દસક્રોઈ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકા પંચાયતો માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી (rotation of reserved seats) અંગેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશની કુલ 20 નકલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવી છે, જેથી તેને જાહેર સ્થળોએ પ્રસિદ્ધ કરી શકાય. આ મુજબ, તા. 04 ડિસેમ્બર 2025ના રોજ આ આદેશ જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયતોના નોટિસ બોર્ડ, જાહેર સ્થળો અને સંબંધિત કચેરીઓમાં મૂકવાનો રહેશે.
ચૂંટણી પૂર્વ પ્રક્રિયા તરીકે અનામત બેઠકોની ફરતી ફાળવણી ખૂબ જ મહત્વની છે, કારણ કે SC, ST, OBC અને મહિલા વર્ગ માટે કઈ બેઠક અનામત રહેશે તે ચૂંટણી પહેલા જાહેર કરવું ફરજિયાત છે. આ પ્રક્રિયા પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટેની મુખ્ય કડી ગણાય છે.
રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા તંત્રને આ આદેશની બહોળી પ્રસિદ્ધિ કરવા અને તેની અમલવારી અંગેનો અહેવાલ તાત્કાલિક આયોગને મોકલવાની પણ સૂચના આપી છે. જિલ્લા-તાલુકા સ્તરના અધિકારીઓને આદેશ મળતા જ તેનું કાર્યાન્વયન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આગામી વર્ષે યોજાનારી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં તૈયારી શરૂ થઈ ગઈ છે, અને અમદાવાદ જિલ્લાનું આ જાહેરનામું આ પ્રક્રિયાનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યું છે.






