Home International Now Musk Is Also Fed Up With Trump Elon Musk Launched A Scathing Attack On Trumps Tax And Spending Bill I Cant Stand It Anymore

હવે ટ્રમ્પનો ખુલીને વિરોધ! : મસ્ક પણ ટ્રમ્પથી કંટાળ્યા, ઇલોન મસ્કે ટ્રમ્પના ટેક્સ અને ખર્ચ બિલ પર કર્યો તીખો હુમલો: ‘હવે સહન નથી થતું’

હવે ટ્રમ્પનો ખુલીને વિરોધ!
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 03:21 AM IST

અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઇલોન મસ્કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખો હુમલો કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બિલને ‘અત્યંત ઘૃણાસ્પદ’ (disgusting abomination) ગણાવતાં કહ્યું કે, “માફ કરજો, પણ હવે હું આ સહન નથી કરી શકતો. આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, બકવાસ અને શરમજનક બિલ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “જેમણે આ બિલના પક્ષમાં મતદાન કર્યું છે, તેમણે પોતાના પર શરમ અનુભવવી જોઈએ, કારણ કે તેઓ જાણે છે કે તેમણે ખોટું કર્યું છે.”

ટ્રમ્પનું ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ અને મસ્કનો વિરોધ
ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલને ‘વન બિગ બ્યુટિફુલ બિલ’ નામ આપ્યું છે, જે તેમના 2017ના ટેક્સ કટને વધુ વિસ્તારે છે. આ બિલને તાજેતરમાં યુએસ હાઉસમાં એક મતના નજીવા માર્જિનથી પસાર કરવામાં આવ્યું હતું. જોકે, ઇલોન મસ્કે આ બિલને ફેડરલ બજેટ ડેફિસિટ (ખાધ) વધારનાર ગણાવ્યું છે. તેમણે આ બિલની ટીકા કરતાં કહ્યું કે આનાથી અમેરિકાની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થશે. મસ્કના આ તીખા નિવેદનથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવાના સંકેત મળી રહ્યા છે, જે અગાઉ ખૂબ જ મજબૂત માનવામાં આવતા હતા.

DOGEમાંથી રાજીનામા બાદ ટ્રમ્પનો ખુલીને વિરોધ:
ઇલોન મસ્કે તાજેતરમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના ચીફ પદેથી રાજીનામું આપ્યું હતું, જે પદ પર તેમણે ટ્રમ્પના નજીકના સહયોગી તરીકે 130 દિવસ સુધી કામ કર્યું હતું. DOGE ની સ્થાપના ટ્રમ્પ સરકારના બિનજરૂરી ખર્ચને ઘટાડવા અને સરકારી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી હતી. મસ્કે આ દરમિયાન ઘણા ખર્ચાઓ રોકવાના નિર્ણયો લીધા હતા, જેમાં ભારતને મળતી 1.82 અબજ રૂપિયાની મદદ રોકવાનો સમાવેશ થતો હતો. જોકે, ટ્રમ્પના આ નવા બિલે DOGE દ્વારા કરવામાં આવેલા ખર્ચ ઘટાડાના પ્રયાસોને નબળા પાડ્યા હોવાનું મસ્કનું માનવું છે.
મસ્કે 29 મે, 2025ના રોજ DOGE ચીફ પદેથી રાજીનામું આપ્યું હતું, અને તેમના રાજીનામાનું એક કારણ ટ્રમ્પના આ બિલ સાથેનો મતભેદ હોવાનું કહેવાય છે. મસ્કે અગાઉ પણ આ બિલ વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે, “મને લાગે છે કે એક બિલ મોટું હોઈ શકે છે અથવા તે સુંદર હોઈ શકે છે, પણ તે બંને એકસાથે ન હોઈ શકે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મસ્ક શરૂઆતથી જ આ બિલના વિરોધમાં હતા.

ટ્રમ્પ-મસ્કની દોસ્તી: સ્વાર્થ,સત્તા અને સગવળતા:
ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો 2024ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ખૂબ જ મજબૂત રહ્યા હતા. મસ્કે ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને X પ્લેટફોર્મ પર ટ્રમ્પના સમર્થનમાં અનેક પોસ્ટ કરી હતી. ટ્રમ્પે પણ મસ્કને DOGE નું નેતૃત્વ સોંપીને તેમના પર ભરોસો દર્શાવ્યો હતો. જોકે, DOGE પદેથી રાજીનામું આપ્યા બાદ ટ્રમ્પે 30 મે, 2025ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં મસ્કની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “મસ્ક હંમેશાં અમારી સાથે રહેશે.” પરંતુ આ નવા બિલ પર મસ્કની ટીકા બાદ બંને વચ્ચેના સંબંધોમાં તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now