Home Gujarat Now A Constitution Will Be Made In The Patidar Community Too

હવે પાટીદાર સમાજમાં પણ બંધારણ! : રીત રિવાજ કંટ્રોલ કરવા 'સોશિયલ મીડિયા સમર્થન', મથુર સવાણી આવ્યા આગળ...

હવે પાટીદાર સમાજમાં પણ બંધારણ!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 10:36 AM IST

સુરતમાં રીત-રિવાજ અને કુરિવાજોને કંટ્રોલ કરવા માટે પાટીદાર સમાજમાં બંધારણ બનાવવાની માંગનો મુદ્દો હવે વધુ પ્રબળ બનતો જઈ રહ્યો છે. હવે પાટીદાર સમાજ પણ આ મુદ્દે સક્રિય રીતે આગળ વધી રહ્યો છે અને સમાજમાં સુધારાઓ લાવવા માટે બંધારણ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સમાજમાં થતા અતિશય ખર્ચાળ અને બિનજરૂરી રીત-રિવાજોને નિયંત્રણમાં લેવા માટે બંધારણ બનાવવાની માંગને દિવસો પસાર થતા બહોળો ટેકો મળતો જઈ રહ્યો છે.

મથુર સવાણીએ ખુલ્લેઆમ સમર્થન આપવા અપીલ કરી

પાટીદાર સમાજના અગ્રણી અને પદ્મશ્રી સન્માનિત મથુર સવાણીએ આ અભિયાનને મજબૂત બનાવવા માટે પાટીદાર સમાજના લોકોને ખુલ્લેઆમ સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને રીત-રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવાની જરૂરિયાત અંગે લોકોના અભિપ્રાયો માંગ્યા હતા. આ અપીલને સમાજમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા છે.

પત્ર મારફતે તેમણે જન જાગૃતિ અભિયાનને વધુ વેગ આપ્યો

આ અભિયાનને મળેલા વિશાળ પ્રતિસાદ બદલ મથુર સવાણીએ લોકોનો આભાર વ્યક્ત કરતો એક પત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જે હાલ વાયરલ થયો છે. આ પત્ર મારફતે તેમણે જન જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા અને જન-જન સુધી આ સંદેશ પહોંચાડવા માટે લોકોને અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ લાખો લોકોએ બંધારણના મુદ્દે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જે સમાજમાં સુધારાની ભાવનાને દર્શાવે છે.

સમાજ માટે એક સુવ્યવસ્થિત બંધારણ તૈયાર કરાશે

લોકોના મળેલા અભિપ્રાય અને લાગણીઓને મથુર સવાણી દ્વારા એકત્રિત કરી રાજ્યભરના 1,000થી વધુ પાટીદાર સમાજના સંગઠનના આગેવાનો સુધી પત્રના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે. હવે આ લોકસભર પ્રતિસાદના આધારે પાટીદાર સમાજ માટે એક સુવ્યવસ્થિત બંધારણ તૈયાર કરવામાં આવશે, જેનાથી સમાજમાં રીત-રિવાજ અને કુરિવાજો પર નિયંત્રણ લાવી શકાય અને ભવિષ્યમાં એક સકારાત્મક અને સુધારેલી સામાજિક વ્યવસ્થા ઊભી કરી શકાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now