Home International Norovirus Outbreak Caribbean Princess Cruise Ship 115 Infected

કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો : 115 લોકો ઝપેટમાં આવ્યા, જાણો કેટલો ખતરનાક છે આ ‘નોરોવાયરસ’ અને તેનાથી કેવી રીતે બચશો?

Norovirus Outbreak
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 08:51 AM IST

Norovirus Symptoms: કેરિબિયન પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં વેકેશન મનાવવા નીકળેલા મુસાફરો માટે સફર દુઃસ્વપ્ન સાબિત થઈ રહી છે. આ વૈભવી જહાજમાં અચાનક 'નોરોવાયરસ' (Norovirus) ફાટી નીકળતા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 115 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકાની આરોગ્ય સંસ્થા સીડીસી (CDC) દ્વારા આ મામલે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જહાજમાં સવાર 3,116 મુસાફરોમાંથી 102 પ્રવાસીઓ અને 13 ક્રૂ સભ્યોમાં ઉલ્ટી-દસ્ત જેવા ગંભીર લક્ષણો જોવા મળતા ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે આ નોરોવાયરસ? શા માટે તે ક્રૂઝ પર જ ઝડપથી ફેલાય છે?

નોરોવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે જે સીધો પેટ અને આંતરડા પર હુમલો કરે છે. મેડિકલ ભાષામાં તેને 'સ્ટમક બગ' પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ક્રૂઝ શિપ જેવી બંધ જગ્યાઓ આ વાયરસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. જહાજ પર હજારો લોકો એકસાથે ભોજન લેતા હોય, સામાન્ય સ્વિમિંગ પૂલ, લિફ્ટ અને હેન્ડરેલનો ઉપયોગ કરતા હોય ત્યારે એક સંક્રમિત વ્યક્તિ સેંકડો લોકોને બીમાર કરી શકે છે. આ વાયરસ સ્પર્શ, દૂષિત ખોરાક કે પાણી દ્વારા વીજળીની ગતિએ ફેલાય છે.

આ પણ વાંચો: દુનિયા પર નવો સ્વાસ્થ્ય ખતરો : ક્રૂઝ શિપ પર 29 મુસાફરો હન્ટાવાયરસની ઝપેટમાં

મુસાફરી દરમિયાન કેવી રીતે ફેલાયો આ પ્રકોપ?

આ ક્રૂઝની મુસાફરી 28 એપ્રિલના રોજ ફોર્ટ લોડરડેલથી શરૂ થઈ હતી અને 11 મેના રોજ પોર્ટ કેનેવરલ પર પૂરી થવાની હતી. શરૂઆતમાં થોડા કેસો સામે આવ્યા હતા, પરંતુ ધીમે-ધીમે આંકડો વધતો ગયો. જ્યારે બીમાર લોકોની સંખ્યા કુલ ક્ષમતાના 3% ને વટાવી ગઈ ત્યારે CDC એ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. હાલમાં જહાજમાં “વેસલ સેનિટેશન પ્રોગ્રામ” હેઠળ સઘન તપાસ ચાલી રહી છે અને ચેપગ્રસ્ત મુસાફરોને ક્વોરન્ટાઈન (અલગ) કરવામાં આવ્યા છે.

નોરોવાયરસના મુખ્ય લક્ષણો અને બચાવ

જો કોઈ વ્યક્તિ આ વાયરસના સંપર્કમાં આવે, તો નીચે મુજબના લક્ષણો દેખાઈ શકે છે:

  • અચાનક અને તીવ્ર ઉલ્ટી થવી.

  • પાણી જેવા પાતળા દસ્ત (ડાયરિયા).

  • પેટમાં અસહ્ય દુખાવો અને ઉબકા આવવા.

  • હળવો તાવ, માથાનો દુખાવો અને શરીરમાં નબળાઈ.

સામાન્ય રીતે આ લક્ષણો 1 થી 3 દિવસ રહે છે. મોટાભાગના કિસ્સામાં આ વાયરસ જીવલેણ નથી હોતો, પરંતુ બાળકો અને વૃદ્ધોમાં તે ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) પેદા કરી શકે છે.

આ પણ વાંચો: સમુદ્ર વચ્ચે લક્ઝરી ક્રુઝ પર હંટાવાયરસનો પ્રકોપ : બે ભારતીય ક્રૂ સભ્યો પણ ફસાયા, WHO નું ગ્લોબલ એલર્ટ!

કંપની અને આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાં

પ્રિન્સેસ ક્રૂઝ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમણે જહાજના સેનિટાઈઝેશનમાં વધારો કર્યો છે. બફે એરિયા અને જાહેર સ્થળોએ સફાઈની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મુસાફરોને વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. CDC ના અધિકારીઓ હાલમાં બીમાર લોકોના સ્ટૂલ સેમ્પલ લઈને વધુ તપાસ કરી રહ્યા છે જેથી વાયરસના ચોક્કસ સોર્સની ખબર પડી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now