Home Gujarat Nitin Patels Big Statement On Religious Conversion

'ખ્રિસ્તી મિશનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે' : ધર્માંતરણ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન

'ખ્રિસ્તી મિશનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 09:30 AM IST

Nitin Patel Statement : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલી ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં વધી રહેલા વિભાજન અને ધર્માંતરણ મુદ્દે ખુલ્લેઆમ પોતાની વાત મૂકી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, “આપણે ધીમે ધીમે ઘટતા જઈએ છીએ અને આપણા સમાજમાં વિભાજન છે.” તેમણે દાવો કર્યો કે છેલ્લા 25, 30 અને 40 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ મારફતે જાણ થઈ છે કે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી સતત વધતી જઈ રહી છે. તેમણે આ વધતી સંખ્યાનું કારણ ફોસલાવીને કરવામાં આવતા ધર્માંતરણને ગણાવ્યું હતું.

'હિન્દુઓની સંખ્યા ઓછી...'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ખ્રિસ્તીઓ અને મુસલમાનોને સીધી રીતે જોડવાની જરૂર નથી, એ આખો અલગ વિષય છે.” પરંતુ તેમણે આક્ષેપ કરતા કહ્યું કે એક તરફ આતંકવાદીઓનો પક્ષ દળ છે અને દેશદ્રોહી તત્વો છે, જ્યારે બીજી તરફ ફોસલાવી-પટાવીને, મદદના નામે ધર્માંતરણ કરાવનાર તત્વો કાર્યરત છે. બંનેનું લક્ષ્ય એક જ છે – હિન્દુઓની સંખ્યા ઓછી કરવી અને હિન્દુ ધર્મ પર પોતાનું વર્ચસ્વ જમાવવું'.

'ખ્રિસ્તી મશીનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે'

નીતિન પટેલે આરોપ લગાવ્યો કે, 'ખ્રિસ્તી મશીનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. શાળાઓ બનાવે, કપડાં આપે, દવાખાનાં અને હોસ્ટેલ ખોલે છે અને પછી એક જ વિચાર સાથે પોતાનું કામ આગળ ધપાવે છે' તેમણે કહ્યું કે, 'આ બે પરિબળો સામે લડવાની જરૂર છે. પોતાની રણનીતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'એક તરફ તેમની સામે એના જેવું જ સેવા કાર્ય, શિક્ષણ કાર્ય અને શાળાઓ દ્વારા આપણા સમાજના લોકોને આપણે જાળવવાના છે.' નીતિન પટેલે અંતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હી ખાતે આવ્યા બાદ દેશના હિતમાં જરૂરી કામગીરી સતત ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now