Home Gujarat Newly Appointed Gujarat Congress President Amit Chavda Welcomed At The Airport

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર સ્વાગત : ગુજરાતની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરવા જવાબદાર વિપક્ષ તરીકે સક્રિય રહીશું: અમીત ચાવડા

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર  સ્વાગત
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 02:27 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની પ્રમુખ બન્યા બાદ આજે બપોરે અમિત ચાવડા દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપવા માટે હાઈકમાન્ડનો આભાર માનતા જણાવ્યું કે "સંગઠન સૃજન અંતર્ગત બુથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર થશે, નવા લોકોને સંગઠનમાં તક મળશે. કોંગ્રેસ પક્ષ સંગઠનના માધ્યમથી પ્રજાની વચ્ચે જઈને પ્રજાની સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને પ્રજાના મુદ્દાઓને લઈને લડત- આંદોલન કરશે. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે, ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તે પરંપરાને આગળ લઇ જતા ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય તે માટેના વિઝન સાથે તમામ કાર્યક્રમોને આગળ વધારીશું."

વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, "ગુજરાતના યુવાનોના પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચાર, ખેડૂતોની સમસ્યાઓ, નાના વેપારીઓની તકલીફો, ફિક્સ પગાર- કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષિતો, પીડિતો- વંચિતોનો અવાજ બનીશું. હાલમાં ગુજરાત જે અધિકારી રાજ, કમિશન રાજ, ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યું છે તે નાબુદ કરવા માટે આક્રમકતાથી લડીશું."

"ગુજરાતની આ ડબલ એન્જીન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, પોતાની સમસ્યાઓ પર રજૂઆત કરવી પણ ગુનો હોય તેવું વર્તન નાગરિકો જોડે કરવામાં આવે છે, જાગૃત નાગરિકો- પત્રકારોને સત્ય બોલવા પર ડરાવવામાં આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં આ અઘોષિત કટોકટી સામે લોકશાહી બચાવવા ભાજપ સરકારની તાનાશાહી સામે પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસનો એક- એક કાર્યકર લડશે."

અમીત ચાવડાએ ગુજરાતમાં પ્રજામાં સરકાર પ્રત્યે વધી રહેલા ભારોભાર આક્રોશ પર જણાવ્યું હતું કે, "ગુજરાતમાં બ્રિજ તૂટે છે, લોકો મરે છે, દિકરીઓ આત્મહત્યા કરવા મજબુર બને છે, પશુપાલકો પોતાના હકની રજૂઆત કરવા જાય તો પોલીસ લાઠીઓ વરસાવે છે, ગુજરાતની જનતાનો ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે."

"ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીના વિઝન સાથે કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીએ અગાઉ લોકસભામાં કહ્યું હતું તે પ્રમાણે ગુજરાતમાં ભાજપને હરાવીને રહેશે, જેના માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત કરવા સાથે કાર્યકરોનો અવાજ બુલંદ કરીશું, કોંગ્રેસ પક્ષના દરેક નિર્ણયમાં કાર્યકરોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે, દરેક આગેવાન, પદાધિકારી, કાર્યકરનો એક કોંગ્રેસ પરિવાર બનીને સાથે મળીને લડીશું અને પ્રજાની હક્કની લડાઈ જીતીશું."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now