Home Education/Career Neet Ug 2026 Retest Air Force Security Pmo Final Decision Gujarati

NEET-UG પરીક્ષા પર મોટી અપડેટ : પેપર સુરક્ષા માટે એરફોર્સની લેવાશે મદદ? PMO લેશે અંતિમ નિર્ણય!

NEET-UG 2026 Re-Test Indian Air Force
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 04:28 AM IST

NEET-UG 2026 Re-Test: NEET-UG 2026ની મૂળ પરીક્ષામાં પેપર લીકની કમનસીબ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે, ભારત સરકાર હવે આગામી 21 જૂને યોજાનારી પુનઃ-પરીક્ષા (રી-ટેસ્ટ) ને લઈને કોઈ પણ કચાસ રાખવા માંગતી નથી. પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને અભેદ્ય બનાવવા માટે સરકાર સ્તરે ગંભીર મથામણ શરૂ થઈ છે. આ કડીમાં હવે સુરક્ષા પ્રોટોકોલને એટલા મજબૂત બનાવવામાં આવી રહ્યા છે કે જેમાં ભારતીય વાયુસેના (Indian Air Force) ની મદદ લેવા બાબતે પણ ઉચ્ચ સ્તરીય વિચારણા ચાલી રહી છે. પેપર લીક થવાની શક્યતાઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે તંત્ર સક્રિય થયું છે. આ માત્ર પરીક્ષા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાથી સરકાર કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી. પ્રશ્નપત્રોની સુરક્ષાથી લઈને તેના વિતરણ સુધીની દરેક પ્રક્રિયા પર હવે સીધી નજર રાખવામાં આવશે.

ઉચ્ચ સ્તરીય બેઠક: સુરક્ષા મુદ્દે મંથન

તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાના લોજિસ્ટિક્સને અત્યંત સુરક્ષિત બનાવવાનો હતો. જેમાં ખાસ કરીને પ્રશ્નપત્રો છાપખાનાથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ છિદ્ર ન રહે તેની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: NEET-UG 2026 લીક કેસમાં મોટો વળાંક: NTAની મહિલા એક્સપર્ટની CBIએ કરી ધરપકડ

IAF ની ભૂમિકા અને લોજિસ્ટિક્સ પ્લાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રોને દેશના અંતરિયાળ ખૂણે-ખૂણે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ભારતીય વાયુસેના (IAF) ના વિમાનોનો ઉપયોગ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો પેપર લીક થવાનું જોખમ નહિવત થઈ જશે. લોજિસ્ટિક્સ અને સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે એરફોર્સનું જોડાણ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.

PMO લેશે અંતિમ નિર્ણય

અત્યારે આ સમગ્ર બાબત એક પ્રસ્તાવના તબક્કે છે અને કોઈ પણ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ વિકલ્પની વ્યવહારિકતા અને સુરક્ષા પાસાઓને ધ્યાનમાં રાખીને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO) સમક્ષ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા મળનારા અંતિમ નિર્દેશો બાદ જ આ બાબતે કોઈ અમલીકરણ અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: NEET-UG પેપર લીક પછી સરકારની 6 મોટી જાહેરાતો: ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ્સ, જાણો શું- શું બદલાયું

CBI તપાસ અને પરીક્ષાની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, NEET-UG 2026ના પેપર લીક કેસની તપાસ હાલમાં CBI દ્વારા અત્યંત ગંભીરતાથી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીએ અત્યાર સુધી દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી કુલ 13આરોપીઓની ધરપકડ કરીને આ રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી પુનઃ-પરીક્ષાને લઈને તંત્ર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now