ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) એ પોતાના શૈક્ષણિક માળખામાં મોટું અને ઐતિહાસિક વિસ્તરણ કરતા નવી 7 યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. વર્ષ 2010 માં સ્થાપિત થયેલી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલ સાથે બહુવિદ્યાશાખાકીય (Multidisciplinary) મોડલ તરફ આગળ વધી રહી છે. સંસ્થાના આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આ વિસ્તરણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખતા તેમને સર્વાંગી અને કૌશલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડવાનો છે. સાથે સાથે સંશોધન અને નવીનતા આધારિત અભ્યાસક્રમોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. IITE હવે શિક્ષક શિક્ષણની પરંપરાગત વ્યાખ્યાને વિસ્તૃત કરીને ટેક્નોલોજી, રમતગમત, કલા અને મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોને પણ શિક્ષણ સાથે સાંકળવા જઈ રહી છે.
IITEના ડિરેક્ટર ડૉ. મેહુલ દવેએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં શિક્ષકો તૈયાર કરતી IITE દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે શિક્ષણમાં ઝડપથી થઈ રહેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને આ નવી રચના અમલમાં મૂકવામાં આવી છે. IITEને ‘યુનિવર્સિટી ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ’ બનાવવાના હેતુસર રાજ્ય સરકારે નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે રૂ. 127 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત : શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારોને લેવાસે લેખિત પરીક્ષા, જાણો તારીખ
નવી 7 સ્કૂલ્સ દ્વારા શિક્ષણમાં વૈવિધ્ય
IITE દ્વારા કાર્યરત કરાયેલી નવી 7 યુનિવર્સિટી સ્કૂલ્સ શિક્ષણના વિવિધ ક્ષેત્રોને આવરી લેશે. તેમાં વિજ્ઞાન, માનવવિજ્ઞાન, રમતગમત, કલા, ટેક્નોલોજી અને વિશેષ શિક્ષણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
નવી સ્કૂલ્સમાં સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ, સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અને સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત પર્ફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, કોમર્સ, મેનેજમેન્ટ અને શૈક્ષણિક નેતૃત્વ માટે પણ અલગ સ્કૂલ્સ શરૂ કરવામાં આવી છે.
ખાસ કરીને ‘સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમર્જિંગ એરિયાઝ’ને શિક્ષણ ક્ષેત્ર માટે ભવિષ્યલક્ષી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે ‘સ્કૂલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન’ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી ચાલતો નશાકારક ગોળીઓનો કાળો કારોબાર ઝડપાયો : લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ઈન્ટરડિસિપ્લિનરી અભ્યાસ અને રિસર્ચને મળશે વેગ
નવી શૈક્ષણિક રચનાના કારણે હવે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો વચ્ચે સંકલિત અભ્યાસ કરવાની તક મળશે. વિજ્ઞાન અને ગણિત સાથે હવે AI, ફિલોસોફી, રમતગમત, કલા અને મેનેજમેન્ટ જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી નીતિ હેઠળ વિદ્યાર્થીઓ પોતાની રુચિ અનુસાર વૈકલ્પિક વિષયો પસંદ કરી શકશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી AI સાથે ફિલોસોફી જેવા વિષયનો પણ અભ્યાસ કરી શકશે. આ પ્રકારની બહુવિદ્યાશાખાકીય પદ્ધતિ વિદ્યાર્થીઓમાં નવીન વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મદદરૂપ બનશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઈબોલા અંગે એલર્ટ : આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઈસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ વોર્ડ તૈયાર, કોરોના જેવી થશે સ્થિતિ!
Ph.D. અને ઉચ્ચ સંશોધન માટે નવી તકો
IITE ના આ વિસ્તરણ બાદ સંસ્થામાં Ph.D. અને ઉચ્ચ સ્તરીય સંશોધન માટે પણ નવી દિશાઓ ખુલશે. વિજ્ઞાન-ટેક્નોલોજી, માનવવિજ્ઞાન, કલા, રમતગમત અને શૈક્ષણિક નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં વિશેષ સંશોધન માટે વિદ્યાર્થીઓને વધુ તક મળશે.
ડૉ. મેહુલ દવેએ જણાવ્યું કે સંસ્થા હવે માત્ર શિક્ષકો તૈયાર કરવાનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ભવિષ્યના શૈક્ષણિક નેતાઓ અને સંશોધકો તૈયાર કરવાનું રાષ્ટ્રીય સ્તરનું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહી છે.
IITE નું આ વિસ્તરણ ગુજરાત સહિત દેશના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. NEP-2020ના અમલ બાદ શિક્ષણમાં આવી રહેલા પરિવર્તનોને અનુરૂપ આ પહેલ ભવિષ્યના શિક્ષણ મોડલને નવી દિશા આપી શકે છે.





