Home National Neet Ug 2026 Paper Leak Cbi Investigation Latur Module Pv Kulkarni Shivraj Motegaonkar Arrest

NEET પેપર લીકનો ભાંડો ફૂટ્યો : પ્રોફેસરથી લઈને 100 કરોડના કોચિંગ ક્લાસ સુધી... જાણો કોણે અને કેવી રીતે રચ્યું આખું કાવતરું

NEET Paper Leak, Latur Module
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 08:17 AM IST

NEET Paper Leak 2026: દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ કૌભાંડના ચોંકાવનારા સ્તરો ખુલી રહ્યા છે. આ સમગ્ર કાવતરામાં હવે મહારાષ્ટ્રનું 'લાતૂર મોડ્યુલ' (Latur Module) મુખ્ય કેન્દ્રબિંદુ બનીને સામે આવ્યું છે. સીબીઆઈને શંકા છે કે, પરીક્ષાના થોડા દિવસો પહેલા જ પસંદગીના ચોક્કસ વિદ્યાર્થીઓ સુધી અસલી પ્રશ્નપત્રના સવાલો પહોંચાડી દેવામાં આવ્યા હતા અને 'સ્પેશિયલ ક્લાસ' ચલાવીને તેમને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. આ હાઇ પ્રોફાઇલ કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના વિષય નિષ્ણાતો, કોલેજના પ્રોફેસરો, મોટા કોચિંગ સેન્ટરોના માલિકો અને વચેટિયાઓની સંડોવણી બહાર આવતા શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

શું છે કથિત 'લાતૂર પેટર્ન' અને પેપર લીકનો આખો ખેલ?

સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે, NEET-UG 2026 ના પેપર લીકની મજબૂત કડીઓ એનટીએ (NTA) સાથે જોડાયેલા કેમિસ્ટ્રી એક્સપર્ટ પ્રોફેસર પી.વી. કુલકર્ણી અને બોટની ટીચર મનીષા મંડારે સુધી પહોંચે છે. આરોપ છે કે, આ બંને સબ્જેક્ટ એક્સપર્ટ હોવાને કારણે તેમને પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ (Access) હતી, જેનો દુરુપયોગ કરીને તેમણે પરીક્ષાની ગુપ્તતા ભંગ કરી હતી.

આ પ્રોફેસરોએ પેપર લીક કર્યા બાદ મનીષા વાઘમારે અને ધનંજય લોખંડે જેવા વચેટિયાઓનો સંપર્ક કર્યો હતો. વચેટિયાઓએ લાખો રૂપિયાના સોદા કરીને શુભમ દેશવાર અને યશ યાદવ જેવા ચોક્કસ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આ નેટવર્ક સાથે જોડ્યા હતા. સીબીઆઈના મતે, આ જ નેટવર્ક દ્વારા પરીક્ષાના દિવસ પહેલા પસંદગીના ઉમેદવારોને બોલાવીને અસલી પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો: દીવમાં ગમખ્વાર અકસ્માત : સુરત પાસિંગ કારની ટક્કરે પિતા-પુત્રનું મોત, પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ

સીબીઆઈના સિકંજામાં 100 કરોડનું કોચિંગ સેન્ટર: માલિકની 11 કલાક પૂછપરછ

આ કૌભાંડના તાર મહારાષ્ટ્રના એક મસમોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ જોડાયેલા છે, જેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ સંસ્થા રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ (Renukai Chemistry Classes) ના નામે ચાલે છે, જેના માલિક શિવરાજ મોટેગાંવકર મહારાષ્ટ્રના કોચિંગ ક્ષેત્રનું ખૂબ મોટું નામ છે. વર્ષ 1999માં માત્ર 10 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થાની આજે 7 જિલ્લામાં શાખાઓ છે અને 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે.

સીબીઆઈની ટીમે લાતૂર સ્થિત આ સંસ્થાની ઓફિસ પર દરોડા પાડીને કોમ્પ્યુટર, લેપટોપ, આઈપેડ અને મોબાઈલ જેવા ગેજેટ્સ જપ્ત કર્યા છે. સંસ્થાના માલિક શિવરાજ મોટેગાંવકરની સીબીઆઈએ સતત 11 કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમને વધુ તપાસ માટે પુણે બોલાવવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયાના એક વીડિયોએ ખોલ્યો મોટો ભેદ

કોચિંગ સંચાલક મોટેગાંવકર પર સીબીઆઈની શંકા ત્યારે વધુ દ્રઢ બની જ્યારે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં તેઓ વિદ્યાર્થીઓને પૂછતા જોવા મળ્યા હતા કે, "આપણી મોક ટેસ્ટમાં જે સવાલો પૂછાયા હતા, તેમાંથી કેટલા સવાલો અસલી પ્રશ્નપત્રમાં આવ્યા?" આ વીડિયો પરથી તપાસ એજન્સીને પાકો અંદેશો આવ્યો કે પરીક્ષા પહેલા જ અસલી પેપર જેવા જ સવાલોની પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને કરાવી દેવાઈ હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મુખ્ય સૂત્રધાર પ્રોફેસર પી.વી. કુલકર્ણી અને મોટેગાંવકર જૂના પરિચિતો છે.

આ પણ વાંચો: કેરળમાં નવા યુગની શરૂઆત : વી.ડી. સતીશને લીધા મુખ્યમંત્રી પદના શપથ, રાહુલ ગાંધી અને ખડગેની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો

પુણેના ઘરમાં ચાલતી હતી 'સુપર સ્પેશિયલ ક્લાસ'

કાવતરાના માસ્ટરમાઇન્ડ ગણાતા પી.વી. કુલકર્ણી લાતૂરની દયાનંદ કોલેજના કેમિસ્ટ્રી પ્રોફેસર અને પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓ પુણેમાં ખાનગી કોચિંગ આપતા હતા. સીબીઆઈના દાવા મુજબ, કુલકર્ણીએ પુણે સ્થિત પોતાના નિવાસસ્થાને કેટલાક વિદ્યાર્થીઓને ખાસ બોલાવ્યા હતા. આ 'સ્પેશિયલ ક્લાસ' માં તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્નો, તેના ઓપ્શન્સ અને સાચા જવાબો લખાવ્યા હતા, જે બાદમાં 3 મે 2026ના રોજ લેવાયેલી અસલી NEET પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મેચ થતા હતા.

દિલ્હીથી મહિલા લેક્ચરરની ધરપકડ: બોટની-ઝૂલોજીના પ્રશ્નો કર્યા લીક

આ કેસમાં બીજું મોટું નામ પુણેની સીનિયર બોટની ટીચર મનીષા ગુરુનાથ મંડારેનું સામે આવ્યું છે, જેની સીબીઆઈએ દિલ્હીથી ધરપકડ કરી છે. મનીષા મંડારે પુણેની પ્રતિષ્ઠિત મોર્ડન કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાં લેક્ચરર છે અને છેલ્લા 5-6 વર્ષથી એનટીએ (NTA) ની પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા.

તેમને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રોની વિગતો મળી ગઈ હતી. તેમણે એપ્રિલ 2026 માં પોતાના ઘરે વિદ્યાર્થીઓને બોલાવી પુસ્તકોમાં સવાલો માર્ક કરાવ્યા હતા અને નોટબુકમાં જવાબો લખાવ્યા હતા, જે અસલી પરીક્ષામાં પૂછાયા હતા.

દેશભરમાં દરોડા: અત્યાર સુધી ૯ આરોપીઓ જેલ ભેગા

3 મે 2026 ના રોજ લેવાયેલી આ પરીક્ષામાં પેપર લીકના ગંભીર આરોપો બાદ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર સીબીઆઈએ 12 મે 2026ના રોજ એફઆઈઆર (FIR) નોંધીને તપાસ હાથ ધરી હતી. કેસની ગંભીરતા જોઈને નીટ પરીક્ષા રદ કરવી પડી હતી.

છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ દેશભરમાં વધુ ૬ સ્થળોએ દરોડા પાડીને મહત્વના બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ પુરાવા એકત્ર કર્યા છે. અત્યાર સુધી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલ્યાનગર જેવા શહેરોમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કોર્ટે મુખ્ય આરોપી પ્રોફેસર પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમારેને 10 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં બે ભયંકર અકસ્માતો : 12 લોકોનાં મોત, અનેક ઘાયલ, સર્જાયો અફરાતફરીનો માહોલ

શું છે સીબીઆઈની આગામી રણનીતિ?

દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ જણાવ્યું કે આ એક બહુ મોટું આંતરરાજ્ય ષડયંત્ર છે. લાખો રૂપિયાનું ફંડિંગ મેળવીને વિદ્યાર્થીઓને પ્રશ્નો સપ્લાય કરાયા હતા. હવે એજન્સી એ તપાસી રહી છે કે, આ પેપર લીક કૌભાંડના તાર માત્ર મહારાષ્ટ્ર સુધી જ સીમિત છે કે પછી દેશના અન્ય રાજ્યોમાં પણ આ રેકેટ ફેલાયેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now