Home National Vd Satheesan Takes Oath As Kerala Chief Minister Udf Cabinet Swearing In

કેરળમાં નવા યુગની શરૂઆત : વી.ડી. સતીશને લીધા મુખ્યમંત્રી પદના શપથ, રાહુલ ગાંધી અને ખડગેની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો

Kerala Politics CM VD Satheesan
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 05:18 AM IST

Kerala Politics: કેરળ વિધાનસભા ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ રાજ્યમાં એક નવો રાજકીય સૂર્યોદય થયો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના શાનદાર અને ઐતિહાસિક વિજય બાદ, આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશન કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે સવારે 10 વાગ્યે યોજાશે. આ જીત સાથે જ કેરળમાં છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા ડાબેરી પક્ષોના (LDF) શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. કેરળના રાજકારણમાં આશરે છ દાયકા (60 વર્ષ) બાદ એવો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો છે, જ્યારે મુખ્યમંત્રી પોતાની સાથે આખી કેબિનેટના તમામ 20 મંત્રીઓ સાથે એકસાથે શપથ લેશે.

આ ભવ્ય રાજકીય મહોત્સવમાં ભાગ લેવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા તેમજ કોંગ્રેસ શાસિત ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ ખાસ વિમાન મારફતે તિરુવનંતપુરમ પહોંચી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વિજયને 'અભૂતપૂર્વ' ગણાવતા કહ્યું હતું કે જનતાએ અમને જે મોટો જનાદેશ આપ્યો છે તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. વી.ડી. સતીશનના નેતૃત્વમાં બનનારી આ નવી સરકાર કેરળના સર્વાંગી વિકાસ માટે નવો પથ કંડારશે તેવો આશાવાદ હાઈકમાન્ડે વ્યક્ત કર્યો છે.

છ દાયકા બાદ ઐતિહાસિક શપથ ગ્રહણ: 20 સભ્યોનું મંત્રીમંડળ એકસાથે લેશે શપથ

મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કેરળના સંસદીય ઇતિહાસમાં લાંબા સમય પછી આખો મંત્રીમંડળ એકસાથે શપથ લેવા જઈ રહ્યું છે. 20 સભ્યોના આ મંત્રીમંડળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, કે. મુરલીધરન, અને કેપીસીસી ચીફ સની જોસેફ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોન્સ જોસેફ, શિબુ બેબી જોન, અનૂપ જેકબ, સી.પી. જોન, એ.પી. અનિલ કુમાર, ટી. સિદ્દીકી, પી.સી. વિષ્ણુનાથ, રોઝી એમ. જોન, બિંદુ કૃષ્ણા, એમ. લિજુ, કે.એ. તુલસી અને ઓ.જે. જનીશ પણ મંત્રી તરીકે શપથ લેશે.

સામાજિક અને પ્રાદેશિક સંતુલન પર વિશેષ ભાર

નવી કેબિનેટની રચનામાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. વી.ડી. સતીશને સ્વીકાર્યું હતું કે કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી ઘણા યોગ્ય અને વરિષ્ઠ નેતાઓ છે જેમને મંત્રીમંડળમાં સ્થાન આપી શકાયું નથી, જેના માટે તેઓ દિલગીર છે. જો કે, મર્યાદિત સંખ્યા અને ચોક્કસ માપદંડોને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. આ 20 સભ્યોની ટીમમાં અનુસૂચિત જાતિ (SC) ના બે સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે મહિલાઓને પણ મંત્રીમંડળમાં યોગ્ય અને સન્માનજનક પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે. થિરુવંચૂર રાધાકૃષ્ણન નવા વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર) અને શનીમોલ ઉસ્માન ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

સહયોગી પક્ષોને મોટું સ્થાન: મુસ્લિમ લીગને ફાળવાયા ૫ મંત્રીપદ

યુડીએફ ગઠબંધનની સૌથી મજબૂત અને મહત્વની સહયોગી પાર્ટી 'ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ' (IUML) ને નવી સરકારમાં મોટું કદ આપવામાં આવ્યું છે. મુસ્લિમ લીગના ફાળે કુલ ૫ મંત્રીપદ આવ્યા છે. લીગ તરફથી પી.કે. કુન્હાલીકુટ્ટી, પી.કે. બશીર, એન. શમસુદ્દીન, કે.એમ. શાજી અને વી.ઈ. અબ્દુલ ગફૂર મંત્રી તરીકે શપથ લઈને નવી સરકારમાં મહત્વની જવાબદારીઓ સંભાળશે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં બે ભયંકર અકસ્માતો: 12 લોકોનાં મોત, અનેક ઘાયલ, સર્જાયો અફરાતફરીનો માહોલ

પ્રથમ કેબિનેટથી જ ગેરંટીઓ લાગુ થશે: મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરાશે

મંત્રીપદના શપથ લેવા જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વરિષ્ઠ નેતા કે. મુરલીધરને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સોમવારથી કેરળમાં એક નવી અને પ્રગતિશીલ શરૂઆત થઈ રહી છે. ગઠબંધન સરકાર પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપેલી ૫ મુખ્ય ગેરંટીઓને તબક્કાવાર રીતે લાગુ કરશે. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે.

ચૂંટણી પરિણામોનું ગણિત: UDF નો પ્રચંડ વિજય

કેરળની કુલ 140 સભ્યોની વિધાનસભા સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને 102 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને બહુમતીનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસે એકલા હાથે 63 બેઠકો જીતી છે, જ્યારે સહયોગી પક્ષ આઈયુએમએલ (IUML) એ 22 બેઠકો પર કબ્જો કર્યો છે. બીજી તરફ, અત્યાર સુધી સત્તા પર રહેલું ડાબેરી ગઠબંધન (LDF) માત્ર ૩૫ બેઠકો પર સમેટાઈ ગયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ રાજ્યમાં 3 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now