દીવના નાગવા રોડ પર રવિવારે મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મધ્ય પ્રદેશના એક જ પરિવારના પિતા અને સગીર પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મૃતકોની ઓળખ પૃથ્વી વાધવાની અને તેમના 16 વર્ષીય પુત્ર અનિકેત વાધવાની તરીકે થઈ છે. જ્યારે મૃતકની પત્ની નીતુ વાધવાની અને ભત્રીજા ઓમેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાએ માત્ર દીવ જ નહીં પરંતુ મધ્ય પ્રદેશના ગ્વાલિયર સ્થિત સિંધી સમાજમાં પણ ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો: સુરતમાં ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની હત્યા : ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા
ખુશીના પ્રસંગ બાદ દીવ ફરવા નીકળેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી વાધવાની તેમના પરિવાર સાથે જૂનાગઢ નજીક યોજાયેલા એક શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા. તેમના મોટાભાઈ ગિરધારીલાલ દ્વારા તલની નવી ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને તેના ઉદ્ઘાટન પ્રસંગે પરિવાર એકત્રિત થયો હતો.
ફેક્ટરીના ઓપનિંગ બાદ બંને ભાઈઓએ પરિવાર સાથે દીવ ફરવા જવાનું આયોજન કર્યું હતું અને ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું. રવિવારે રાત્રે પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણ્યા બાદ નાગવા નજીક આવેલી હોટલમાં ડિનર કરવા માટે કારમાં જઈ રહ્યો હતો, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કારમાં પૃથ્વી વાધવાની, પુત્ર અનિકેત વાધવાની, પત્ની નીતુ વાધવાની અને ભત્રીજો ઓમેશ સવાર હતા. અકસ્માત બાદ સમગ્ર પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.
સુરત પાસિંગ કાર સામે ગંભીર સવાલો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-3528 છે. આરટીઓ રેકોર્ડ મુજબ આ કાર સુરતના યોગી ચોક વિસ્તાર સાથે સંકળાયેલા મિહિર નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો સવાર હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સુરત પાસિંગની કાર અત્યંત ઝડપે દોડી રહી હતી અને સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
પોલીસ હાલ અકસ્માત સમયે ડ્રાઇવિંગની સ્થિતિ, ઝડપ અને અન્ય સંજોગોની તપાસ કરી રહી છે. અકસ્માત બેદરકારીથી થયો કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરા એરપોર્ટ પર ભારે હોબાળો : ઇન્ડિગો ફ્લાઇટમાં અચાનક એસી-લાઇટો બંધ, અડધો કલાક મુસાફરો ગૂંગળાયા
3 આરોપીઓ ઝડપાયા, અન્યની શોધખોળ ચાલુ
અકસ્માત બાદ દીવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલક સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જોકે, કારમાં સવાર અન્ય ત્રણ શખ્સો રાત્રિના અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
દીવ પોલીસ દ્વારા ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો રચવામાં આવી છે. પોલીસ ઉના સહિત આસપાસના વિસ્તારોમાં ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપીઓના મેડિકલ ટેસ્ટ અને અન્ય ફોરેન્સિક પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતા હજુ અજાણ
આ સમગ્ર ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી નીતુ વાધવાનીને હજુ સુધી તેમના પતિ અને પુત્રના મોતની જાણ કરવામાં આવી નથી. પરિવારજનો અને તબીબો હાલ તેમની ગંભીર શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વ્યવહાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ગ્વાલિયર સ્થિત પરિવાર અને સિંધી સમાજમાં પણ આ દુર્ઘટનાને લઈને ભારે શોક છવાયો છે. સોશિયલ મીડિયા પર લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.





