રાજકોટ શહેરમાં દેશી દારૂના કારણે વધુ એક શંકાસ્પદ મોતનો મામલો સામે આવતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. શહેરની ભાગોળે આવેલા સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત થતા લઠ્ઠાકાંડ જેવી આશંકા સેવાઈ રહી છે. મૃતકોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ બંનેએ દમ તોડી દીધો હતો.
મૃતકોની ઓળખ મનસુખ ડાભી અને તેમના મિત્ર અલ્પેશ આભરિયા તરીકે થઈ છે. બંને રવિવારે રાત્રે ભગીરથ સોસાયટી શેરી નંબર 10 નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે પ્રાથમિક તબક્કે બૂટલેગર સહિત ત્રણ લોકોને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી છે. હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જે બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: દેશમાં પ્રથમ વખત! : વડોદરા રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રિક પેસેન્જર પિકઅપ-ડ્રોપ કાર્ટ સેવા શરૂ, 24 કલાક મળશે સુવિધા, જાણો કોણે સૌથી વધુ લાભ
પરિવારનો ગંભીર આક્ષેપ: ‘દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી માર્યા’
મૃતક મનસુખ ડાભીના પુત્ર વિનય ડાબીએ સમગ્ર ઘટનાને કાવતરું ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, તેમના પિતા અને મિત્ર અલ્પેશ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને કેટલાક સમયથી ‘ઝીણા ભગત’ ઉર્ફે જીગલો ગોહેલ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
વિનય ડાભીના દાવા મુજબ, “ઝીણા ભગતના માણસ મારફતે બંનેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. દારૂમાં કોઈ કેમિકલ કે ઝેરી પદાર્થ ભેળવાયો હોવાની અમને પૂરી શંકા છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે અગાઉ પોલીસ દરોડા દરમિયાન તેમના પિતાને ધંધા અંગે પૂછપરછ કરવામાં આવી હતી, જેના કારણે જૂની અદાવત રાખીને આ કાવતરું રચાયું હોઈ શકે છે.
પરિવારે એવો પણ આક્ષેપ કર્યો કે આરોપી ઝીણા ભગત વિસ્તારમાં દેશી દારૂ, વરલી મટકા અને વ્યાજવટાવ જેવા ગેરકાયદેસર ધંધા ચલાવે છે અને પોલીસ સામે પ્રભાવ ધરાવે છે.
‘મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા’, પરિજનોની હૃદયદ્રાવક વાત
મૃતકના પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ ઘટનાની કરુણ વિગતો વર્ણવવામાં આવી હતી. મૃતકના પરિજન પુનમબેને જણાવ્યું કે રાત્રે ફોન આવ્યા બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બંને બેભાન હાલતમાં પડેલા હતા.
તેમણે જણાવ્યું, “અમે માથે પાણી નાખ્યું, પણ કોઈ જવાબ નહોતો આપતા. પછી મોઢા અને નાકમાંથી ફીણ નીકળવા માંડ્યા.” પરિવારજનોએ દાવો કર્યો કે બંનેનું મૃત્યુ અચાનક અને શંકાસ્પદ સંજોગોમાં થયું છે, તેથી સમગ્ર મામલે ઊંડી તપાસ થવી જોઈએ.
પરિવારજનોએ પોલીસ સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગણી કરી છે. સાથે જ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા પર કડક નિયંત્રણ લાવવાની પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચો: ફૂટબોલ વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ : એક જ પરિવારના 6 સભ્યો સહિત 10 લોકોના મોત, કૌટુંબિક વિવાદની શંકા
ફોરેન્સિક તપાસ પર ટકી છે સમગ્ર કેસની દિશા
બંને મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. તબીબી અને ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા વિસેરા સેમ્પલ સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાએ રાજકોટમાં ફરી એકવાર ગેરકાયદેસર દારૂના ધંધા અને પોલીસની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઝેરી દારૂના કેસ સામે આવતા સરકારે કડક કાર્યવાહીનો દાવો કર્યો હતો, છતાં આવી ઘટનાઓ અટકતી ન હોવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે.





