Home Gujarat Ahmedabad Ahmedabad Rajkot Bus 100 Kg Silver Seized Gst Investigation

અમદાવાદમાંથી ઝડપાયું 100 કિલો ચાંદી : બસમાં રાજકોટ લઈ જતા સ્ટેટ GST એ દબોચ્યું, 400 કિલો ચાંદીના કેસ સાથે જોડાણની તપાસ

ચાંદી
Published by: Chintan Chavda
Last Updated: May 17, 2026, 09:25 AM IST

રાજકોટમાં ચાંદીના મોટા વ્યવહારો અને સંભવિત ટેક્સ ચોરીના મામલાઓ હવે વધુ ગંભીર બનતા જઈ રહ્યા છે. રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા અંદાજે 400 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યા બાદ હવે સ્ટેટ GST વિભાગે અમદાવાદથી રાજકોટ જતી એક લકઝરી બસમાંથી વધુ 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

આ નવી કાર્યવાહીને કારણે સમગ્ર બુલિયન માર્કેટમાં વધુ ફફડાટ ફેલાયો છે. તપાસ એજન્સીઓ હવે બંને કેસ વચ્ચે કોઈ સીધું કનેક્શન છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

ગીતા મંદિરથી રાજકોટ જતી બસમાં ચેકિંગ દરમિયાન કાર્યવાહી

મળતી માહિતી અનુસાર અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાંથી રાજકોટ તરફ જતી એક લકઝરી બસમાં સ્ટેટ GST વિભાગે ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ ચાંદીના જથ્થાની ચકાસણી કરતાં અંદાજે 100 કિલો ચાંદી હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ઝડપાયેલા કુલ જથ્થામાંથી અંદાજે 80 ટકા ચાંદી માટે કોઈ કાયદેસર બિલ, દસ્તાવેજ કે માલિકીનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી.

કોઈએ માલિકીનો દાવો પણ કર્યો નહીં

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ચાંદીના મોટા ભાગના જથ્થા પર કોઈ વ્યક્તિએ સત્તાવાર રીતે માલિકીનો દાવો કર્યો નથી.

જેના કારણે GST વિભાગને સમગ્ર વ્યવહાર શંકાસ્પદ લાગ્યો હતો. હાલ સમગ્ર ચાંદીનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ કેસ સાથે જોડાણની તપાસ

આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે આજે રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ IB દ્વારા અંદાજે 400 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો હતો.

એરપોર્ટ પર ઝડપાયેલી ચાંદી વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. હવે તપાસ એજન્સીઓ બંને કેસ વચ્ચે કોઈ નેટવર્ક, વેપારી કડી અથવા ટેક્સ ચોરીનું કનેક્શન છે કે નહીં તે તપાસી રહી છે.

રાજકોટના બુલિયન માર્કેટમાં ફફડાટ

રાજકોટ ગુજરાતના મોટા સોના-ચાંદીના વેપાર કેન્દ્રોમાંનું એક ગણાય છે. આવી સ્થિતિમાં એક પછી એક મોટા જથ્થા ઝડપાતા વેપારી વર્તુળોમાં ચિંતા વધી ગઈ છે.

ખાસ કરીને સામાકાંઠા વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ અને કુરિયર ચેઇન હવે એજન્સીઓની રડાર પર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વેપારીઓમાં એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં વધુ દરોડા, દસ્તાવેજ ચકાસણી અને GST તપાસ થઈ શકે છે.
રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ IBનું મોટું ઓપરેશન: 400 કિલો ચાંદી જપ્ત

ટેક્સ ચોરી અને હવાલા એંગલ પર તપાસ

તપાસ એજન્સીઓને પ્રાથમિક રીતે આ સમગ્ર મામલો ટેક્સ ચોરી સાથે જોડાયેલો હોવાની આશંકા છે. જોકે, કેટલાક અધિકારીઓ હવાલા નેટવર્ક અથવા બિનહિસાબી નાણાકીય વ્યવહારના એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

ચાંદીના મોટા વ્યવહારોમાં GST, ઇન્કમટેક્સ અને ટ્રાન્સપોર્ટ દસ્તાવેજો અત્યંત મહત્વના હોય છે. આવી સ્થિતિમાં બિલ વિના મોટી માત્રામાં કિંમતી ધાતુની હેરફેર એજન્સીઓ માટે ગંભીર મુદ્દો બની જાય છે.

હાલ સ્ટેટ GST વિભાગે સમગ્ર જથ્થો કબ્જે કરીને સંબંધિત લોકોની પૂછપરછ શરૂ કરી છે.

આગામી દિવસોમાં વધુ ખુલાસાની શક્યતા

તપાસ આગળ વધતાં રાજકોટ અને અમદાવાદ વચ્ચેના વેપારી નેટવર્ક, કુરિયર સિસ્ટમ અને બુલિયન માર્કેટ સાથે જોડાયેલા અનેક ખુલાસા થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now