PM Modi Norway Visit: વૈશ્વિક મંચ પર ભારતની આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે યોજાયેલી 'ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટ'માં ખાસ હાજરી આપી હતી. ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (TEPA)ના અમલીકરણ બાદ બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ સમિટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ હાઈ-લેવલ સમિટમાં પીએમ મોદીની સાથે નોર્વેના ક્રાઉન પ્રિન્સ હાકોન (Crown Prince Haakon) અને ત્યાંના પ્રધાનમંત્રી જોનાસ ગેહર સ્ટોર (Jonas Gahr Støre) પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં ભારતમાં 100 અબજ યુએસ ડોલર (100 Billion USD)નું વિદેશી રોકાણ આકર્ષવાનો અને તેના થકી ભારતના યુવાનો માટે 10 લાખ (1 મિલિયન) નવી રોજગારીની તકો ઊભી કરવાનો છે. પ્રધાનમંત્રી બંને દેશોના ઉદ્યોગપતિઓ અને સંશોધકોને સાથે મળીને નવા ક્ષેત્રોમાં ભાગીદારી કરવા માટે આહ્વાન કર્યું હતું.
TEPA કરારથી વેપારમાં મોટો ઉછાળો: $100 બિલિયન રોકાણ પર નજર
સમિટને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' (TEPA) લાગુ થયા બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણમાં થયેલા સાનુકૂળ વધારાની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને પક્ષોના હિતધારકોએ સાથે મળીને TEPA અંતર્ગત નક્કી કરાયેલા ૧૦૦ અબજ ડોલરના રોકાણના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સઘન પ્રયાસો કરવા જોઈએ, જેથી ભારતમાં મોટા પાયે રોજગારીનું સર્જન થઈ શકે.

ભારતમાં રોકાણ માટે કેમ શ્રેષ્ઠ તક? પીએમ મોદીએ ગણાવ્યા આ કારણો
પીએમ મોદીએ વૈશ્વિક રોકાણકારો સામે ભારતના મજબૂત આર્થિક પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે હાઈલાઈટ કર્યું કે:
ડેમોગ્રાફિક ડિવિડન્ડ: ભારત પાસે વિશ્વના સૌથી વધુ પ્રગતિશીલ, પ્રતિભાશાળી અને આકાંક્ષી યુવાનોની શક્તિ છે.
રોકાણ-ફ્રેન્ડલી વાતાવરણ: ભારતમાં બિઝનેસ કરવા માટે મજબૂત અને સરળ નિયમનકારી માળખું (Regulatory Framework) તૈયાર કરવામાં આવ્યું છે.
સ્પર્ધાત્મક સંઘવાદ (Competitive Federalism): ભારતના રાજ્યો વચ્ચે વિકાસ અને રોકાણ આકર્ષવા માટે તંદુરસ્ત સ્પર્ધા ચાલી રહી છે, જે ઉદ્યોગો માટે ફાયદાકારક છે.
પ્રધાનમંત્રીએ નોર્વેની કંપનીઓને ભારતના અગ્રણી ક્ષેત્રો જેવા કે બ્લુ ઈકોનોમી (સમુદ્રી અર્થતંત્ર), શિપબિલ્ડિંગ, ગ્રીન ટ્રાન્ઝિશન, રિન્યુએબલ એનર્જી, હેલ્થ-ટેક, ક્રિટિકલ મિનરલ્સ અને સ્ટાર્ટ-અપ્સમાં મોટા પાયે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો: સરકાર નેશનલ હાઈવેથી 35,000 કરોડ રૂપિયા કમાશે!: જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે
ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ પર ભારત-નોર્વેની જુગલબંધી
ભારતના મહત્વાકાંક્ષી ગ્રીન એનર્જી એજન્ડાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત પોતાની વધતી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવાની સાથે ક્લાઈમેટ ચેન્જ સામેના સંકલ્પો પ્રત્યે કટિબદ્ધ છે. દેશમાં રિન્યુએબલ એનર્જી, ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઈડ્રોજન અને ક્લીન એનર્જીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. તેમણે ક્લીન એનર્જી ઈન્વેસ્ટમેન્ટ, મેરિટાઇમ ડીકાર્બોનાઈઝેશન (સમુદ્રી પ્રદૂષણમાં ઘટાડો) અને ઓશન સસ્ટેનેબિલિટી (સમુદ્રી સંરક્ષણ) ક્ષેત્રે નોર્વેના વૈશ્વિક નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

50થી વધુ કંપનીઓના CEO હાજર, અનેક મહત્વના કરારો થયા
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, આ સમિટમાં ભારત અને નોર્વેના બિઝનેસ તથા રિસર્ચ જગતના ૨૫૦થી વધુ પ્રતિનિધિઓ અને ૫૦થી વધુ અગ્રણી કંપનીઓના સીઈઓ (CEOs) હાજર રહ્યા હતા. સમિટ દરમિયાન ભારત અને નોર્વેની ખાનગી તેમજ સરકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવા માટેના અનેક વ્યાપારિક કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દેશના18 શહેરોમાં દોડશે વોટર મેટ્રો!: સરકારે તૈયાર કર્યો મોટો માસ્ટર પ્લાન, જાણો સંપૂર્ણ વિગતો
સમિટ પહેલાં યોજાઈ 4 મહત્વની રાઉન્ડટેબલ બેઠકો
આ મુખ્ય સમિટની પૂર્વતૈયારીના ભાગરૂપે ઓસ્લોમાં જુદા જુદા સ્થળોએ ચાર વિશેષ રાઉન્ડટેબલ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને દેશોના નિષ્ણાતોએ નીચે મુજબના ચાવીરૂપ વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરી હતી:
હેલ્થકેર ઈનોવેશન (આરોગ્ય ક્ષેત્રે નવી ટેકનોલોજી)
મેરિટાઇમ કોઓપરેશન (સમુદ્રી વેપાર અને સુરક્ષા)
બેટરી અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ
ડિજિટલાઈઝેશન, ઈલેક્ટ્રિફિકેશન અને વિન્ડ એનર્જી (પવન ઉર્જા)





