Home Gujarat Navsaris Meena Who Was Stranded In Belarus Will Return To India

બેલારુસનો ‘મોહ’ અને મુશ્કેલીમાં મીના!, આખરે માંડ માંડ પરત ફરશે ભારત : આવતીકાલે દિલ્હી પહોંચશે, પરિવારે લીધો રાહતનો શ્વાસ

બેલારુસનો ‘મોહ’ અને મુશ્કેલીમાં મીના!, આખરે માંડ માંડ પરત ફરશે ભારત
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 09:51 AM IST

નોકરીની લાલચમાં બેલારુસ ગયાં બાદ મુશ્કેલીમાં ફસાઈ ગયેલી નવસારીની મહિલા મીનાબેન જોષી હવે સુરક્ષિત રીતે ભારત પરત ફરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણ દ્વારા તેમની વાપસી માટે ફ્લાઇટ ટિકિટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ મીનાબેનને બેલારુસમાં એક સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે. મીનાબેન જોષી આવતીકાલે 23 જાન્યુઆરીના રોજ રાત્રે 9.20 વાગ્યે બેલાવીઆ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા મિન્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારત માટે રવાના થશે. તેઓ 24 જાન્યુઆરીની સવારે 6.40 વાગ્યે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ દિલ્હીથી તેઓ તેમના વતન નવસારી જવાના આયોજનમાં છે.

પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

મીનાબેનની સુરક્ષિત વાપસીના સમાચાર મળતાં તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ મીનાબેને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને એજન્ટો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના પગલે આ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહિલાના વીઝાની પ્રક્રિયા કરનાર ગજાનંદ ઓવરસિસના માલિક પીયૂષ ચૌહાણે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થયા બાદ મીનાબેનને પરત લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કંપનીને જાણ કરતાં એક દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, ત્યારબાદ મીનાબેન જ્યાં હતા ત્યાંથી તેમને શોધી કાઢી સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપની તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને ફ્લાઇટ ટિકિટ પણ બુક કરી દેવામાં આવી છે. સાથે જ કંપનીનો એક પ્રતિનિધિ ત્યાં હાજર રહી મીનાબેનને સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચાડશે.

મીનાબેન જોષી ત્રણ બાળકોની માતા અને વિધવા છે

નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતાં મીનાબેન જોષી ત્રણ બાળકોની માતા અને વિધવા છે. તેમને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂપિયા લીધા બાદ તેમને ત્યાં નિઃસહાય હાલતમાં મૂકી દીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આશરે પાંચ હજાર કિલોમીટર દૂર વિદેશમાં ફસાઈ ગયેલી મહિલાએ જણાવ્યું હતું કે જે પગાર અને નોકરીની શરતો બતાવવામાં આવી હતી તે મુજબનું કશું પણ તેમને ત્યાં મળ્યું નથી. બીજી તરફ, એજન્ટ દ્વારા મહિલાએ કામમાં બેદરકારી દાખવી હોવાનો પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ અને ચર્ચા ચાલુ છે. મીનાબેનની સુરક્ષિત વાપસી બાદ આ ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ બનશે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now