Home International National Tech News Elon Musks Starlink Internet Soon Launch In India

બસ તો થઈ જાઓ તૈયાર : ભારતમાં પણ શરૂ થશે સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા

બસ તો થઈ જાઓ તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2025, 06:26 AM IST

4G અને 5Gની વાત થશે જૂની.. ભારત આવનારા દિવસોમાં ઈન્ટરનેટના નવા યુગમાં પોતાના ડગ માંડશે.  એક એવી ક્રાંતિ ભારતના શહેરોથી લઈ ગામડા સુધી પહોંચાડાશે, જેના કારણે જીવન જીવવાની રીત બદલાતી જોવા મળશે. સૌથી મોટા ઉદ્યોગપતિ એલોન મસ્કની સેટેલાઈટ કંપની સ્ટારલિંક આવનારા દિવસોમાં ભારતમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરશે.  ભારતની બે દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જીઓ સાથે ડીલ થઈ છે.... બંને કંપનીઓ સાથે તેમની જુદી જુદી ડીલ છે. 

એલોન મસ્ક કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે ચર્ચામાં રહેવાનું કારણ ભારત સાથે જોડાયેલું છે. સેટેલાઈટ બેઝડ ઈન્ટરનેટ સર્વિસ આપતી કંપની સ્ટારલિંકની આવનારા દિવસોમાં ધામધૂમ સાથે ભારતમાં એન્ટ્રી થશે.  દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઈન્ટરનેટ સર્વિસ આપવાનો દાવો કરનારી સ્ટારલિંક કંપની સાથે જોડાવવા માટે મોટા મોટી કંપનીઓ કતારમાં હતી. આખરે એક નહીં પરંતુ ભારતની બે દિગ્ગજ ટેલિફોન કંપની એરટેલ અને જીઓ સાથે સ્ટારલિંક સેટેલાઈટ કંપનીની ડીલ થઈ છે.  આ ડીલ અંગે જાહેરાત બંને દિગ્ગજ કંપનીઓએ આધિકારીક રીતે કરી છે. જો કે ભારત સરકાર તરફથી આધિકારીક રીતે સ્ટારલિંક કંપનીને લીલી ઝંડી મળી નથી,  આ બંને કંપનીઓ સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસને કેવી રીતે લોકો સુધી પહોંચાડશે તેની હજી સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્ટારલિંક છે શું?

 સ્ટારલિંક એલોન મસ્કની સેટેલાઈટ બેઝડ ઈન્ટરનેટ કંપની છે, પૃથ્વીથી અંદાજે 550 કિમીની ઊંચાઈએ લૉ ઓર્બિટ સેટેલાઈટ મૂકવામાં આવે છે.  લૉ-ઓર્બિટ સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ પૃથ્વી પર પહોંચાડવામાં આવે છે. સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસના કારણે ટાવર લગાવવાની કે મોટા મોટા કેબલો જમીન પર ફેલાવવા નથી પડતા. હાલ સ્ટારલિંક કંપનીના 7 હજારથી વધુ સેટેલાઈટ કાર્યરત છે, જેના કારણે દુર્ગમ વિસ્તારોમાં કનેક્ટિવિટી સરળતાથી પહોંચાડી શકાય છે.

કઈ રીતે કરે છે કામ?

 તમારા ઘરમાં એન્ટેનાની જરૂર પડશે, જે સીધુ સેટેલાઈટને કનેક્ટ કરે છે, અને તમને ઈન્ટરનેટ સેવા આપે છે  સરળ ભાષામાં કહીએ તો ટીવીના ડીશ એન્ટેના જેવું. એકવાર કનેક્ટ કર્યા બાદ વાઈફાઈની મદદથી તમે ફોન સહિત બીજા ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો. સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસના ઉપયોગમાં એક પડકાર છે. આ ઈન્ટરનેટ સર્વિસને મોબાઈલમાં સીધી રીતે નહીં ચલાવી શકાય,  એરફાઈબરની જેમ અહીં પણ રિસીવરની જરૂરત પડશે. મહત્વનું છે કે આઈફોનના લેટેસ્ટ મોડલમાં પહેલેથી સેટેલાઈટ કોમ્યુનિકેશન ફિચર આપવામાં આવે છે,  IOS અને એન્ડ્રોઈડમાં સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસનો કઈ રીતે ઉપયોગ થશે ,તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

યુઝર્સને કેટલો કરવો પડશે ખર્ચ?

  એર ફાઈબરથી અત્યારે મોટી ટેલિકોમ કંપનીઓ ઈન્ટરનેટ પહોંચાડે છે,  કોઈ કંપની 5G ઈન્ટરનેટની સર્વિસ માટે એક મહિનાના 600 રૂપિયા લે છે. તો કોઈ કંપની 700 રૂપિયા ચાર્જ વસૂલે છે. યુઝર્સને  40 mbpsની ઈન્ટરનેટ સ્પીડ સરેરાશ મળી રહે છે,  જો સેટેલાઈટ ઈન્ટરનેટ કંપનીના ચાર્જની વાત કરીએ તો સ્ટારલિંકનો ઈન્ટરનેટ ચાર્જ 120 ડોલર એટલે કે દર મહિને રૂ. 10,500 હોઈ શકે છે, ઘરમાં ઈન્ટરનેટ રિસિવર કીટ લગાવવાનો ખર્ચ 349 ડોલર એટલે કે રૂ. 30,500 થઈ શકે છે. આ ખર્ચ એકવખત જ કરવામાં આવે છે. આ ખર્ચનો અંદાજ છે, જે બીજા દેશના આધારે કાઢવામાં આવ્યો છે. ભારત એક મોટું માર્કેટ છે, તેવામાં વધારેને વધારે કનેકશન મેળવવા માટે સ્ટારલિંક સસ્તુ ઈન્ટરનેટ આપી શકે છે.

ભારત હાલ એવા દેશમાં સામેલ છે જ્યા સૌથી વધારે સસ્તુ ઈન્ટરનેટ આપવામાં આવે છે.  ભારતીય નાગરિકોની ખર્ચો કરવાની ક્ષમતાના આધારે ઈન્ટરનેટની કિંમત નક્કી કરવામાં આવે છે. તેવામાં ગ્રાહકોને પકડી રાખવા માટે પહેલા સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવશે, જે બાદ યુઝર્સને ઈન્ટરનેટના ઉપયોગની આદત પડશે ત્યારે ધીમે ધીમે ચાર્જ વધારવામાં આવી શકે છે .

હવે ભારત સરકાર ક્યારે સ્ટારલિંકને લીલીઝંડી આપે છે, તેના પર નજર રહેવાની છે  જો સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ તો કંપનીઓ ઈન્ટરનેટ ચાર્જ જાહેર કરી શકે છે. ભારતમાં આજે પણ ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચી શક્યુ નથી,  ત્યારે જો યોગ્ય રીતે આ ટેકનોલોજી ભારતમાં લોન્ચ થઈ તો જરૂરિયાતમંદો માટે સેટેલાઈટ બેઝડ ઈન્ટરનેટ વરદાન સમાન સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now