Home National Narwar Fort 500 Year Old Cannon Theft Madhya Pradesh

મધ્યપ્રદેશના નરવર કિલ્લામાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી : ક્રેન-ટ્રક સાથે કિલ્લામાં ઘૂસ્યા 30 બદમાશો, 500 વર્ષ જૂની 3 ટનની ઐતિહાસિક તોપ ચોરીને ફરાર

Narwar Fort Cannon Theft
Image Credit: WIKI
Published by: Nirali Gohil
Last Updated: Jul 17, 2026, 05:00 AM IST

Narwar Fort Cannon Theft: ભારતની ઐતિહાસિક ધરોહર પર ફરી એકવાર તસ્કરોની નજર પડી છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલા ઐતિહાસિક નરવર કિલ્લામાંથી લગભગ 500 વર્ષ જૂની અને અંદાજે 3,000 કિલો વજન ધરાવતી અષ્ટધાતુની દુર્લભ તોપની ચોરી થતાં પુરાતત્વ વિભાગ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. માત્ર સામાન્ય ચોરી નહીં પરંતુ સંપૂર્ણ આયોજન સાથે અંજામ આપવામાં આવેલી આ ઘટનાએ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, 15 અને 16 જુલાઈની મધ્યરાત્રિ દરમિયાન 25થી 30 જેટલા હથિયારધારી બદમાશો ક્રેન અને લોડિંગ ટ્રક સાથે કિલ્લામાં પ્રવેશ્યા હતા. ભારે વજન ધરાવતી તોપને મિનિટોમાં ઉપાડી તેઓ ફરાર થઈ ગયા હતા. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ તોપ સિંધિયા રાજવંશના સમયની હોવાનું માનવામાં આવે છે અને તેની કિંમત ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય એન્ટિક માર્કેટમાં કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.

ક્રેન અને ટ્રક સાથે પહોંચેલા બદમાશોએ કર્યો પૂર્વનિયોજિત હુમલો

પોલીસ અને પુરાતત્વ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બદમાશો કિલ્લાના પાછળના માર્ગથી અંદર પ્રવેશ્યા હતા. તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા અને સાથે ક્રેન તેમજ લોડિંગ ટ્રક પણ લાવ્યા હતા. કિલ્લાના ખુલ્લા પરિસરમાં રાખવામાં આવેલી કુલ 14 ઐતિહાસિક તોપોમાંથી સૌથી કિંમતી તોપને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં સ્પષ્ટ થાય છે કે તસ્કરોએ અગાઉથી કિલ્લાની રેકી કરી હતી અને તેમને તોપનું ચોક્કસ સ્થાન તેમજ સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી. ઘટનાના બાદ હવે કિલ્લામાં માત્ર 13 ઐતિહાસિક તોપો જ બચી છે.

સુરક્ષાકર્મીઓ સામે હથિયારધારી બદમાશો, બચાવનો કોઈ રસ્તો નહોતો

ઘટના સમયે ફરજ પર હાજર સુરક્ષાકર્મી બાલકિશને જણાવ્યું કે, એકાએક મોટી સંખ્યામાં આવેલા હથિયારધારી લોકોએ તેમને ઘેરી લીધા હતા. તેમની પાસે આધુનિક હથિયારો હતા, જ્યારે સુરક્ષા કર્મચારીઓ પાસે માત્ર લાકડી હતી. કિલ્લામાં પૂરતી લાઇટિંગ, સીસીટીવી અને અન્ય આધુનિક સુરક્ષા વ્યવસ્થાનો પણ અભાવ હતો. બદમાશોએ સુરક્ષાકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તેઓ કોઈ પ્રતિકાર કરી શક્યા નહોતા. ત્યારબાદ તસ્કરોએ ક્રેનની મદદથી તોપ ટ્રકમાં લોડ કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા.

આ પણ વાંચો: દેહરાદૂનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં મોટી દુર્ઘટના : લોખંડનો સળિયો પડતાં કોંગ્રેસ કાર્યકરનું મોત

12 દિવસ પહેલાં મળ્યો હતો શંકાસ્પદ સંકેત

આ સમગ્ર ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે લગભગ 12 દિવસ પહેલાં કિલ્લાની આસપાસ શંકાસ્પદ લોકોની અવરજવર જોવા મળી હતી. સ્થાનિક સ્તરે આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. જો તે સમયે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોત અથવા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોત તો કદાચ આ ઐતિહાસિક ધરોહરની ચોરી અટકાવી શકાઈ હોત. હવે આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે કે અગાઉ મળેલી માહિતી છતાં સુરક્ષા વધારવામાં કેમ બેદરકારી દાખવાઈ.

16મી સદીની દુર્લભ અષ્ટધાતુની તોપ

ચોરાયેલી તોપ લગભગ 16મી સદીની હોવાનું માનવામાં આવે છે. અષ્ટધાતુમાંથી બનાવાયેલી આ તોપ માત્ર યુદ્ધ માટે જ નહીં પરંતુ તે સમયની ધાતુશાસ્ત્ર કળા અને શિલ્પકામનું પણ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. તોપ પર કોતરાયેલા વિશિષ્ટ નમૂનાઓ અને ઐતિહાસિક ચિહ્નો તેને અત્યંત દુર્લભ બનાવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી ઐતિહાસિક વસ્તુઓની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર એન્ટિક માર્કેટમાં કરોડો રૂપિયાની કિંમત હોઈ શકે છે. આ કારણે આવા સ્મારકો પર કાર્યરત તસ્કર ગેંગ સતત નજર રાખતા હોય છે.

આ પણ વાંચો: '3 ઇડિયટ્સ'નું 'ફૂન્સુખ વાંગડુ' પાત્ર સોનમ વાંગચુક પર આધારિત નહોતું' : આમિર ખાને દૂર કરી વર્ષો જૂની ગેરસમજ, ચતુરને પણ ખોટો ગણાવ્યો

આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગની સંડોવણીની આશંકા

ઘટના બાદ પોલીસે અજ્ઞાત આરોપીઓ સામે લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, વાહનોની હિલચાલ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કરૈરા એસડીઓપી પ્રશાંત શર્માના જણાવ્યા મુજબ, આટલી ભારે તોપને ચોરી કરવા માટે વ્યાવસાયિક ગેંગની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય નહીં. પોલીસને આંતરરાષ્ટ્રીય એન્ટિક તસ્કર ગેંગની સંડોવણીની પણ આશંકા છે. બીજી તરફ રાજ્ય પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરુણ કુમાર મહોબિયાએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે ચોરાયેલી તોપને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસ સાથે સંકલન વધારવાની વાત કરી છે.

ઐતિહાસિક ધરોહરની સુરક્ષા પર ફરી ઊઠ્યા સવાલ

નરવર કિલ્લામાંથી 500 વર્ષ જૂની તોપની ચોરીએ ફરી એકવાર દેશના ઐતિહાસિક સ્મારકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કરોડો રૂપિયાની ઐતિહાસિક ધરોહર હોવા છતાં સુરક્ષામાં આધુનિક સાધનોનો અભાવ અને મર્યાદિત સ્ટાફ જેવી ખામીઓ હવે ચર્ચાનો વિષય બની છે. નિષ્ણાતોનું માનવું છે કે, આવી દુર્લભ ઐતિહાસિક સંપત્તિને બચાવવા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ ટેક્નોલોજી આધારિત અને મજબૂત બનાવવાની તાતી જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now