ભારતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા હોટલ, રેસ્ટોરન્ટ, ઔદ્યોગિક એકમો અને કેટરિંગ વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ પરિવર્તન શરૂ થઈ રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હવે પરંપરાગત VOT (Vapour Off Take) સિલિન્ડરની જગ્યાએ LOT (Liquid Off Take) સિલિન્ડરના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. આ નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે સિલિન્ડરમાં રહેલો લગભગ આખો LPG વપરાશમાં આવી જાય છે અને ગેસનો બગાડ લગભગ શૂન્ય થઈ જાય છે. જો દેશભરના તમામ કોમર્શિયલ ગ્રાહકો આ નવી સિસ્ટમ અપનાવે તો દર વર્ષે આશરે ₹21,900 કરોડની બચત થઈ શકે છે. સાથે જ લાખો ટન LPGનો બગાડ અટકાવી દેશની ઊર્જા સુરક્ષાને પણ મજબૂત બનાવી શકાય છે.
પરંપરાગત સિલિન્ડરમાં શું છે સમસ્યા?
હાલમાં મોટા ભાગના કોમર્શિયલ ગ્રાહકો VOT (Vapour Off Take) સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમમાં સિલિન્ડરમાં રહેલી ગેસ વરાળ (Vapour) સ્વરૂપે બહાર આવે છે. જ્યારે સિલિન્ડરમાં દબાણ ઘટે છે ત્યારે અંદર થોડો LPG પ્રવાહી સ્વરૂપે બચી જાય છે, પરંતુ તે સંપૂર્ણપણે ઉપયોગમાં આવી શકતો નથી. પરિણામે સિલિન્ડર "ખાલી" ગણાવી પરત કરવામાં આવે છે, જ્યારે અંદર હજુ પણ આશરે 1 કિલોગ્રામ જેટલો LPG બચેલો હોય છે. ગ્રાહકો આખા સિલિન્ડરના પૈસા ચૂકવે છે, પરંતુ ખરીદેલી ગેસનો સંપૂર્ણ લાભ તેમને મળતો નથી.
દરરોજ હજારો ટન LPGનો બગાડ
ભારતમાં દરરોજ અંદાજે 40 લાખ કોમર્શિયલ LPG સિલિન્ડર વપરાય છે. જો દરેક 19 કિલોના સિલિન્ડરમાં સરેરાશ 1 કિલો ગેસ બાકી રહે તો દરરોજ લગભગ 4,000 ટન LPG વપરાયા વગર પરત જાય છે.
વર્ષ દરમિયાન આ આંકડો વધીને લગભગ 1.46 મિલિયન ટન LPG સુધી પહોંચે છે. આ માત્ર આર્થિક નુકસાન જ નથી, પરંતુ દેશના ઊર્જા સંસાધનોનો પણ મોટો બગાડ છે.
LOT સિલિન્ડર કેવી રીતે કામ કરે છે?
નવી LOT (Liquid Off Take) ટેક્નોલોજીમાં LPG વરાળ નહીં પરંતુ પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે. ખાસ પ્રકારની ડિઝાઇન અને વાલ્વ સિસ્ટમના કારણે સિલિન્ડરમાં રહેલો લગભગ સમગ્ર LPG ઉપયોગમાં લઈ શકાય છે.
આ ટેક્નોલોજીથી સિલિન્ડરમાં ગેસ બાકી રહેવાની સમસ્યા લગભગ સમાપ્ત થઈ જાય છે. એટલે ગ્રાહક જે ગેસ માટે પૈસા ચૂકવે છે તેનો સંપૂર્ણ લાભ મેળવી શકે છે. આ સિસ્ટમ ખાસ કરીને એવા વ્યવસાય માટે વધુ ઉપયોગી છે જ્યાં સતત અને મોટા પ્રમાણમાં LPGનો વપરાશ થાય છે.
LOT સિલિન્ડરના મુખ્ય ફાયદા
નવી ટેક્નોલોજીના અનેક લાભો સામે આવ્યા છે. સૌથી મોટો ફાયદો ગેસનો લગભગ સંપૂર્ણ ઉપયોગ છે, જેના કારણે વેપારીઓને સીધો આર્થિક લાભ મળે છે. બીજો મહત્વનો લાભ સુરક્ષાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર LOT સિસ્ટમ આધુનિક સલામતી ધોરણોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે અને તેને પરંપરાગત સિસ્ટમ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ત્રીજો ફાયદો દેશને થનારી મોટી બચત છે. પુણે ગેસ સિસ્ટમ્સે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે જો દેશના તમામ કોમર્શિયલ ગ્રાહકો LOT ટેક્નોલોજી અપનાવે તો ભારત દર વર્ષે લગભગ ₹21,900 કરોડની બચત કરી શકે છે.
શું LOT સિલિન્ડર મોંઘા છે?
ઘણા વેપારીઓના મનમાં સવાલ હોય છે કે નવી ટેક્નોલોજી અપનાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે કે નહીં. પરંતુ હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર LOT અને VOT સિલિન્ડરની કિંમતમાં કોઈ ફરક નથી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના ઉપલબ્ધ દર મુજબ દિલ્હીમાં 19 કિલોના VOT અને LOT બંને સિલિન્ડરની કિંમત લગભગ ₹2,930 છે. તે જ રીતે 47.5 કિલોના બંને પ્રકારના સિલિન્ડરની કિંમત પણ લગભગ ₹7,332 છે. એટલે ગ્રાહકોને વધારાનો ખર્ચ કર્યા વિના નવી ટેક્નોલોજીનો લાભ મળી શકે છે.
આ પણ વાંચો: સરકારે ડીઝલ-એવિએશન ફ્યુઅલના નિકાસ શુલ્કમાં કર્યો વધારો : પેટ્રોલ માટે શું બદલાયું?





