ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી ભારે પાણીની આવકને કારણે ડેમ તેની મહત્તમ સપાટીની નજીક પહોંચી ગયો છે. હાલ ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી ગઈ છે, જે આ સિઝનમાં પ્રથમવાર 136 મીટરનો આંકડો પાર કરી છે.
ડેમના 93 ટકા ભાગ ભરાયો
ઉપરવાસમાંથી પ્રતિ સેકન્ડે 1,48,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ વધતી જળસપાટીને જાળવી રાખવા માટે ડેમના 5 દરવાજા 1.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ ક્ષમતા 138.68 મીટર છે અને હાલ તે 93 ટકા ભરાઈ ચૂક્યો છે.
27 ગામોને એલર્ટ
ડેમમાંથી પાણી છોડવામાં આવતા, નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રએ નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચના આપી છે. આ વધતી જળસપાટી ગુજરાતના ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે, કારણ કે તેનાથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે.






