Home Gujarat Nadiad Cgst Bhavan Acb Trap 10 Lakh Bribery Superintendent Inspector Arrest

નડિયાદમાં એસીબીએ સર્જી દીધો ભૂકંપ : 10 લાખની લાંચ લેતા GSTના ઇન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટની ધરપકડ

નડિયાદ CGST લાંચ કેસ: ₹10 લાખ રોકડા જપ્ત અને ACB ની કાર્યવાહી
Published by: Dviti Panchal
Last Updated: Apr 18, 2026, 03:48 PM IST

ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. નડિયાદના સેન્ટ્રલ જીએસટી (CGST) ભવનમાં એસીબીની ટીમે એક મોટી અને સફળ ટ્રેપ ગોઠવીને ₹10 લાખની તોતિંગ રકમની લાંચ લેતા બે ક્લાસ-2 અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની ગાડી છોડવાના બદલામાં આ અધિકારીઓએ કુલ ₹55 લાખની લાંચની માંગણી કરી હતી, જેનો પ્રથમ હપ્તો લેતા તેઓ પકડાયા છે.

શું છે સમગ્ર મામલો? ₹55 લાખની માંગણી

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે. થોડા સમય અગાઉ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ તેમની સામાન ભરેલી એક ટ્રક પકડી હતી, જેને નડિયાદ સ્થિત CGST ઓફિસ ખાતે લાવવામાં આવી હતી. ફરિયાદી જ્યારે પોતાની ગાડી છોડાવવા માટે ઓફિસ પહોંચ્યા, ત્યારે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓએ માલ-સામાનના કાગળોમાં જીએસટી બાબતે ક્ષતિઓ શોધી કાઢી હતી.

આ ક્ષતિઓ નિવારવા અને ગાડીને મુક્ત કરવાના બદલામાં નડિયાદ CGST ભવન ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર સુબોધ સુભાષ ચૌહાણ અને સુપ્રિટેન્ડન્ટ અમરનાથ ગોવર્ધનરામ સરોજ દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે રૂ. 55,00,000/- (પંચાવન લાખ) ની લાંચ માંગવામાં આવી હતી. લાંબી રકઝક બાદ, પ્રથમ હપ્તા તરીકે રૂ. 10,00,000/- (દસ લાખ) આજે આપવાનું નક્કી થયું હતું.

એસીબીનું છટકું અને ₹10 લાખ સાથે ધરપકડ

ફરિયાદી ટ્રાન્સપોર્ટર આટલી મોટી રકમ લાંચ પેટે આપવા માંગતા ન હોવાથી, તેમણે હિંમત બતાવી ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એસીબીની ટીમે શનિવારે નડિયાદ CGST ઓફિસ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું.

આયોજન મુજબ, જ્યારે ફરિયાદી લાંચની રકમ લઈને પહોંચ્યા, ત્યારે આરોપી સુબોધ ચૌહાણ અને અમરનાથ સરોજે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. જેવી ફરિયાદીએ ₹10 લાખની રોકડ આરોપીઓને સોંપી, કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે.

આ પણ વાંચો : સુરત અડાજણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન | જીત માટે એકતા જરૂરી: વિશ્વકર્મા | Offbeat Stories

પકડાયેલ આરોપીઓની વિગત:

  1. સુબોધ સુભાષ ચૌહાણ: જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, જી.એસ.ટી. ભવન નડીયાદ.

  2. અમરનાથ ગોવર્ધનરામ સરોજ: સુપ્રિટેન્ડન્ટ સેન્ટ્રલ જી.એસ.ટી. નડીયાદ, વર્ગ-૨, જી.એસ.ટી. ભવન નડીયાદ.

તપાસનો ધમધમાટ: શું કોઈ ઉચ્ચ અધિકારી પણ સામેલ છે?

આટલી મોટી રકમની લાંચનો કેસ હોવાથી એસીબીએ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. બંને અધિકારીઓની ધરપકડ કર્યા બાદ, એસીબી દ્વારા તેમના નિવાસસ્થાન અને ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ₹55 લાખ જેવી મોટી રકમની માંગણીમાં શું આ બે અધિકારીઓ જ સામેલ હતા કે પછી વિભાગના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓનો પણ હાથ છે? આ કેસની તપાસમાં જીએસટી વિભાગના અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો : ₹2 લાખ કરોડ પાર GST! | ગુજરાત SGST માં 18.7% વધારો શું સંકેત આપે છે? | Offbeat Stories

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now