વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં હલચલ મચાવી દે તેવો મોટો નિર્ણય સામે આવ્યો છે. GUJRERAએ ‘ધ વિસ્ટા’ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર બાંધકામ અને વેચાણ બંને પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. RERA એ ચેતવણી આપી છે કે જો તેના આદેશનું ઉલ્લંઘન કરીને કોઈ બુકિંગ અથવા વેચાણ કરવામાં આવશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી ઘર ખરીદદારો અને ડેવલપરો ચિંતામાં મુકાયા છે.
શું છે સંપૂર્ણ મામલો?
‘ધ વિસ્ટા’ પ્રોજેક્ટ, જે વડોદરામાં એક મહત્વપૂર્ણ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માનવામાં આવતો હતો જે હવે તપાસ હેઠળ છે. નિયમોનું પાલન ન થવાની શંકાના કારણે નવા બુકિંગ અથવા વેચાણ પર રોક લગાવી દેવામાં આલી છે. આ નિર્ણયથી પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા અટકી ગઈ છે.
VMCએ આપી હતી મજૂરી
આ પ્રોજેક્ટ ફતેહગંજ જીમખાના રોડ પર સિટી સર્વે નંબર 1232થી 1235 અને 1243ની જમીન પર સ્થિત છે. આ વિકાસ માજીદ ખાન પઠાણ અને દોલતરામ બહેરામજી કોન્ટ્રાક્ટર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યો હતો, જેમણે 2022માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી બાંધકામ મંજૂરી મેળવી હતી. જોકે, આ જમીન NRI જમીનમાલિક સુધાબેન પટેલ અને ડેવલપર્સ વચ્ચે કાનૂની વિવાદનો વિષય બની હતી. આ મામલો વડોદરા સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો, જેણે જમીન પર યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: સુરતના બિલ્ડરો પર GujRERAનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : 'નાણાકીય ગેરરીતિ' બદલ બિલ્ડરને 2 કરોડનો દંડ
વિવાદ બાદ મંજૂરી અટકાવાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર સૂચનાઓ છતાં ડેવલપર્સ માલિકીના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ ગયા હતા. પરિણામે, VMC એ બાંધકામ અટકાવ્યું અને અગાઉ આપવામાં આવેલી પરવાનગી રદ કરી, જે ત્યારથી રિન્યુ કરવામાં આવી નથી. વિવાદિત માલિકી હોવા છતાં ડેવલપરોએ પરવાનગીઓ મેળવી અને યોજના શરૂ કરી. જોકે, ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
GUJRERAનો રોલ શું છે?
GUJRERA ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને નિયંત્રિત કરતી મુખ્ય સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર ખરીદદારોના હિતોની રક્ષા કરવી. પ્રોજેક્ટમાં પારદર્શિતા જાળવવી અને ડેવલપરોને નિયમોનું પાલન કરાવવાનો રોલ છે. આ પ્રકારના કડક પગલાંથી GUJRERA બજારમાં શિસ્ત જાળવવાનો પ્રયાસ કરે છે.
વડોદરાના ‘ધ વિસ્ટા’ પ્રોજેક્ટ પર GUJRERA દ્વારા લગાવવામાં આવેલી રોક માત્ર એક પ્રોજેક્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મોટો સંદેશ છે. આ પગલાં દર્શાવે છે કે નિયમોના ઉલ્લંઘનને સહન કરવામાં નહીં આવે અને ઘર ખરીદદારોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ હાલ આ પ્રોજેક્ટમાં જેને બુકિંગ કરાવ્યું છે તેવા લોકો દુવિદદ્ધામાં મુકાય છે.





