Home Gujarat Nadiad Bjp Kisan Morcha Leader Prakash Parmar Attack Case

નડિયાદમાં કાયદો-વ્યવસ્થા રામ ભરોશે! : 40 લોકોના ટોળાએ ભાજપનેતા પર કર્યો જીવલેણ હુમલો

નડિયાદ હુમલાના CCTV દશાર્વતા દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 14, 2026, 12:01 PM IST

નડિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તેમજ વોર્ડ નંબર-13ના સામાજિક કાર્યકર તરીકે ઓળખાતા પ્રકાશ પ્રેમજીભાઈ પરમાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

ફરિયાદ મુજબ, હુમલાની પાછળ જૂની ચૂંટણીની અદાવત જવાબદાર હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રકાશ પરમાર સાંજના સમયે રામદેવપીર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેમને ડીમાર્ટ નજીક આવેલા શ્રીજી ફર્નિચર પાસે કામ હોવાનું કહી બોલાવ્યા હતા.

પૂર્વ આયોજિત કાવતરાનો આરોપ

ફરિયાદ અનુસાર, પ્રકાશ પરમાર પોતાનું એક્ટિવા લઈને સ્થળ પર પહોંચતા જ ત્યાં અગાઉથી હાજર કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા હતા. ફરિયાદમાં મીત રાઉલજી, વિશાલ ચાવડા, ચિરાગ ચાવડા, કેતુલ ઠાકોર, ગોપાલ ચાવડા, અજય ગોહેલ, ગોપાલ ઉર્ફે નીતિન પરમાર, મહેન્દ્ર ચાવડા સહિત અન્ય કેટલાક અજાણ્યા શખ્સોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરતમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા!: નશામાં ધૂત ASIએ BRTS બસને મારી ટક્કર, કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ વર્દી

આરોપ છે કે ટોળાએ એકસંપ થઈને પ્રકાશ પરમાર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જૂની ચૂંટણીમાં પરાજય માટે જવાબદાર ઠેરવી તેમની સાથે મારામારી શરૂ કરી હતી. ફરિયાદ મુજબ હુમલાખોરોએ તેમને ધમકીભર્યા શબ્દોમાં સંબોધીને શારીરિક હુમલો કર્યો હતો.

લાકડાના ડંડાથી હુમલો અને ઇજાના આક્ષેપ

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે હુમલા દરમિયાન એક આરોપીએ લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિએ પેટના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. હુમલામાં પ્રકાશ પરમારને ઇજાઓ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઘટના દરમિયાન પ્રકાશ પરમારે બૂમાબૂમ કરતાં તેમના પરિવારજનો અને નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ હુમલાખોરોના કબજામાંથી તેમને છોડાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિવારજનોના હસ્તક્ષેપ બાદ વધુ ગંભીર પરિણામો ટળી ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

ફરિયાદ મુજબ, હુમલાખોરોએ સ્થળ છોડતા પહેલાં પ્રકાશ પરમારને ફરી આગેવાની અથવા રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીના આક્ષેપને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.

તે ઉપરાંત, મારામારી દરમિયાન પ્રકાશ પરમારનો મોબાઇલ ફોન તથા તેમની પાસે રહેલી આશરે ₹70 હજારની રોકડ રકમ ગુમ થઈ ગઈ હોવાનું પણ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. જોકે આ રકમ અને મોબાઇલ હુમલા દરમિયાન પડી ગયા કે અન્ય કોઈ કારણસર ગુમ થયા તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

અમરેલીમાં એક તરફી પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંત: સગીરાના પરિવારે યુવકને માર મારતા યુવકનું થયું મોત

પોલીસ તપાસ બાદ હકીકતો થશે સ્પષ્ટ

આ સમગ્ર ઘટના હાલમાં ફરિયાદ અને આક્ષેપોના આધારે સામે આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ભૂમિકા, ઘટનાની વાસ્તવિક પરિસ્થિતિ, હુમલાનું કારણ અને અન્ય દાવાઓની સત્યતા અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

કાયદો અને વ્યવસ્થાથી જોડાયેલા આ સંવેદનશીલ મામલામાં પોલીસ દ્વારા સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવશે. હાલ સત્તાવાર રીતે પોલીસ અથવા આરોપી પક્ષ તરફથી કોઈ વિગતવાર પ્રતિક્રિયા જાહેર થઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now