Home Gujarat Ahmedabad Fake Baba Gold Fraudster Arrested Ahmedabad Lcb

'તમારા મનની વાત જાણું છું'... કહીં વૃદ્ધોને ફસાવતો નકલી બાબા ઝડપાયો : સોનું પડાવવાની ચોંકાવનારી તરકીબનો પર્દાફાશ

સોનાની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 14, 2026, 12:37 PM IST

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક વિશ્વાસનો લાભ લઈને વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવતો એક રીઢો ઠગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 'હું સિદ્ધ બાબા છું', 'તમારા મનની વાત જાણી શકું છું' જેવા દાવા કરીને લોકોને પોતાના જાળમાં ફસાવતો સાવનનાથ ઉર્ફે સંજુનાથ મદારી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. તેની ધરપકડ સાથે નરોડા સહિત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. ઝોન-7 LCBની ટીમે લાંબા સમયથી પોલીસને ચકમો આપતા આ આરોપીને ઝડપી પાડતા તેની છેતરપિંડીની એવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જે જાણીને કોઈ પણ ચોંકી જાય.

પૂર્વજોની મદારી કળાનો કર્યો ગેરઉપયોગ

મૂળ દહેગામના ગણેશપુરા ગામનો રહેવાસી સાવનનાથ મદારી એવા પરિવારમાંથી આવે છે જ્યાં અગાઉ સાપના ખેલ અને મદારીના પરંપરાગત ખેલ દ્વારા જીવનનિર્વાહ કરવામાં આવતો હતો. જોકે વન્યજીવ સંરક્ષણ કાયદાઓ કડક બન્યા બાદ આ વ્યવસાય લગભગ બંધ થઈ ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહેનત કરીને રોજગાર મેળવવાને બદલે આરોપીએ પોતાની વારસાગત હાથચાલાકી, બોલવાની કળા અને માનસિક રમતનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો રસ્તો પસંદ કર્યો હતો. વૈભવી જીવન જીવવાની લાલચમાં તેણે અંધશ્રદ્ધાને જ કમાણીનું સાધન બનાવી દીધું હતું.

આ પણ વાંચો: શેરબજારમાં મોટો નફો આપવાની અપાઈ લાલાચ : અમદાવાદના નિવૃત્ત ફાર્મા એડવાઈઝર સાથે થઈ ₹1.21 કરોડની સાયબર ઠગાઈ

વહેલી સવારે મંદિરે જતા વૃદ્ધો બનતા નિશાન

આરોપી ખાસ કરીને 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો પર નજર રાખતો હતો, જે વહેલી સવારે મંદિરે દર્શન માટે જતા હોય. મહિલાઓ તેના મુખ્ય ટાર્ગેટ બનતી હતી કારણ કે તેઓ ઘણી વખત સોનાના દાગીના પહેરીને બહાર નીકળતા હોય છે.

સવારે એકાંતમાં જતા વૃદ્ધોને રોકીને તે પહેલાં સામાન્ય વાતચીત શરૂ કરતો. મંદિરનો રસ્તો પૂછવો, પરિવાર વિશે સામાન્ય પ્રશ્નો પૂછવા અને પછી તેમની જીવનપરિસ્થિતિ અંગે અંદાજ લગાવી વાત કરવી તેની ખાસિયત હતી.

આ પણ વાંચો: 'રોજ બળજબરીથી શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો પતિ' : પત્ની AC ચાલુ કરીને સૂઇ રહી હતી ત્યારે પતિએ બેડરૂમમાં આવીને જે કર્યું...! ગાંધીનગરનો કિસ્સો

'તમારે બે સંતાન છે ને?' ત્યાંથી શરૂ થતો ખેલ

લોકોનો વિશ્વાસ જીતવા માટે આરોપી મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતો હતો. તે કહેતો કે, 'તમારે બે સંતાન છે ને?', 'તમે પરિવાર માટે ઘણું કરો છો પણ કોઈ તમારી કદર કરતું નથી' અથવા 'તમારા ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી છે.' આવા સામાન્ય અને દરેક વ્યક્તિને લાગુ પડે એવા વાક્યો સાંભળીને ઘણા લોકો તેને ખરેખર સિદ્ધ પુરુષ માની લેતા હતા. એકવાર વિશ્વાસ બેસી જાય પછી તે પોતાની ઠગાઈનો અસલી ખેલ શરૂ કરતો હતો.

ત્રણ તબક્કામાં જીતતો હતો ભરોસો

પ્રથમ તબક્કામાં તે એક રૂપિયાનો સિક્કો આપીને દાનના નામે ચપ્પલ માંગતો અને થોડા સમય બાદ પરત આપી દેતો.

બીજા તબક્કામાં શર્ટ અથવા અન્ય કોઈ કિંમતી વસ્તુ માંગીને પાછી આપતો.

આ બંને તબક્કા બાદ સામેવાળી વ્યક્તિને લાગતું કે આ વ્યક્તિ ખરેખર નિઃસ્વાર્થ છે અને કંઈ ખોટું કરશે નહીં. ત્યારબાદ ત્રીજા અને અંતિમ તબક્કામાં તે સોનાની ચેઇન, વીંટી અથવા અન્ય દાગીના ‘પૂજા’ કે ‘આશીર્વાદ’ના બહાને માંગી લેતો અને પળવારમાં ગાયબ થઈ જતો.

આ પણ વાંચો: અમરેલીમાં એક તરફી પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંત : સગીરાના પરિવારે યુવકને માર મારતા યુવકનું થયું મોત

નાગા સાધુ બની કરતો હતો નાટક

ગુનો આચરવા માટે આરોપી અનેક પ્રકારના સ્વાંગ પણ રચતો હતો. કેટલીક વખત તે કારની અંદર નાગા સાધુ જેવી વેશભૂષા ધારણ કરીને બેસી રહેતો અને તેનો સાથીદાર લોકો સાથે વાતચીત કરીને વિશ્વાસ જીતતો હતો. દાગીના હાથમાં આવતા જ તે તરત જ વાહન લઈને ફરાર થઈ જતો. CCTV કેમેરા ન હોય એવા વિસ્તારો પસંદ કરવાનું પણ તેની વ્યૂહરચનાનો ભાગ હતું.

ટેક્નોલોજીથી દૂર રહી પોલીસને આપતો હતો ચકમો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અત્યંત ચાલાક હતો. તે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો નહોતો અને માત્ર કીપેડવાળો ફોન જ રાખતો હતો. સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ નહોતા, જેથી ડિજિટલ ટ્રેકિંગ મુશ્કેલ બને. આ ઉપરાંત તે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરતો હતો. પોલીસ પીછો કરતી હોવાની શંકા જાય તો તરત વાહન બદલી નાખતો. ચોરાયેલું સોનું પણ ગુનો થયેલા વિસ્તારથી દૂર જઈને વેચી દેતો હતો.

LCBની સચોટ બાતમીથી ઝડપાયો

ઝોન-7 એલસીબીની 12 સભ્યોની ટીમે સ્થાનિક સોનીઓ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આરોપી પર નજર રાખી હતી. જ્યારે તે ચોરાયેલું સોનું વેચવા માટે પહોંચ્યો ત્યારે પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નરોડાના બે ગુનાઓ ઉપરાંત રાજ્યના અન્ય પાંચ પોલીસ સ્ટેશનમાં પણ વોન્ટેડ હતો. તેની ધરપકડ બાદ અનેક પીડિતોને ન્યાય મળવાની આશા જાગી છે.

અંધશ્રદ્ધા સામે જાગૃત રહેવાની જરૂર

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓ પર વિશ્વાસ કરવો કેટલો જોખમી બની શકે છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી વ્યક્તિ પોતાને સિદ્ધ પુરુષ, બાબા કે ચમત્કારી વ્યક્તિ તરીકે રજૂ કરે તો તેની વાતમાં ન આવવું અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now