અમદાવાદ શહેરમાં ઓનલાઈન રોકાણના નામે થતી સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત ફાર્માસ્યુટિકલ સલાહકારને શેરબજાર અને IPOમાં ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ ₹1.21 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જાણીતી નાણાકીય સંસ્થા IIFLના કર્મચારી હોવાનો ભેજો ઊભો કરીને ઠગોએ વિશ્વાસ જીત્યો અને પછી સુનિયોજિત રીતે આર્થિક છેતરપિંડીને અંજામ આપ્યો.
પ્રાથમિક માહિતી મુજબ સમગ્ર ઘટનાની શરૂઆત ગત 19 માર્ચે થઈ હતી. નિવૃત્ત વૃદ્ધને એક અજાણી યુવતી તરફથી વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો. યુવતીએ પોતાને IIFL કંપનીની પ્રતિનિધી તરીકે ઓળખાવી શેરબજારમાં રોકાણ સંબંધિત માહિતી આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં સામાન્ય ચર્ચા બાદ વૃદ્ધને શેરબજાર અને IPO સંબંધિત એક ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા.
વોટ્સએપ ગ્રુપ મારફતે જીત્યો વિશ્વાસ
સાયબર ગઠિયાઓ દ્વારા બનાવવામાં આવેલા આ ગ્રુપમાં અનેક સભ્યો હોવાનો દેખાવ કરવામાં આવ્યો હતો. ગ્રુપમાં રોજિંદા ધોરણે શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાયો હોવાના સ્ક્રીનશોટ અને મેસેજ શેર કરવામાં આવતા હતા. આ તમામ સ્ક્રીનશોટ અને સફળતાની કહાનીઓ હકીકતમાં બનાવટી હોવાનું માનવામાં આવે છે.
સતત શેર કરવામાં આવતા નફાના દાવાઓને કારણે નિવૃત્ત વૃદ્ધનો વિશ્વાસ વધતો ગયો. ગઠિયાઓએ પોતાને અનુભવી રોકાણ સલાહકાર તરીકે રજૂ કરીને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસ જ સમગ્ર છેતરપિંડીનો પાયો બન્યો હતો.
નકલી એપ્લિકેશન દ્વારા કરાવ્યું રોકાણ
વિશ્વાસ કેળવ્યા બાદ ઠગોએ વૃદ્ધને એક ખાસ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આ એપ્લિકેશનને શેરબજાર અને IPOમાં રોકાણ માટેનું સત્તાવાર પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં જાણવા મળ્યું કે આ એપ્લિકેશન સંપૂર્ણપણે શંકાસ્પદ અને બનાવટી હતી. વૃદ્ધે આ એપ મારફતે વિવિધ IPO અને શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એપ્લિકેશનમાં રોકાણની રકમ, વધતો નફો અને પોર્ટફોલિયોની વિગતો પણ દર્શાવવામાં આવતી હતી, જેના કારણે તેમને કોઈ શંકા ન ગઈ. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં તેમણે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹1.21 કરોડનું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં રોકાણ પર સારો નફો દર્શાવવામાં આવતો હોવાથી તેઓ વધુ રકમ રોકતા ગયા હતા.
નફો ઉપાડવાનો પ્રયાસ કરતા ખુલ્યો ભાંડો
સમય જતાં વૃદ્ધે પોતાના રોકાણ કરેલા નાણાં અને દર્શાવવામાં આવેલા નફાને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તેમણે રકમ ઉપાડવા માટે અરજી કરી ત્યારે વિવિધ બહાનાઓ આપવામાં આવ્યા હતા. ક્યારેક ટેક્સ ભરવાની વાત કરવામાં આવી તો ક્યારેક વધારાની પ્રોસેસિંગ ફી જમા કરાવવાની માંગ કરવામાં આવી. જોકે વારંવાર પ્રયત્નો છતાં તેમને કોઈ રકમ પરત મળી ન હતી. ત્યારબાદ તેમને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ પણ વાંચો: શંકાએ લીધો હિંસક વળાંક : શાકભાજી લઇને પરત ફરેલી પત્ની સાથે પતિએ જે કર્યું એનો અંદાજો પણ નહીં હોય
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ
છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં જ વૃદ્ધે સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે વોટ્સએપ નંબર, બેંક એકાઉન્ટ, નકલી એપ્લિકેશન અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે ગઠિયાઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. સાયબર નિષ્ણાતોની મદદથી ટ્રાન્ઝેક્શનનો ટ્રેક પણ કરવામાં આવી રહ્યો છે.





