સુરતને ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું ઔદ્યોગિક શહેર માનવામાં આવે છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિશ્વભરમાં ઓળખ ધરાવતું આ શહેર રોજગારીની શોધમાં હજારો પરિવારોને આશરો આપે છે. પરંતુ આ જ વિકાસશીલ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં હાલમાં આશરે બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમ છતાં 13,500થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો માત્ર સરકારી નોંધ પૂરતો નથી, પરંતુ હજારો બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી ગંભીર સામાજિક સમસ્યાનું પ્રતિબિંબ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરેરાશ એક વિદ્યાર્થી પાછળ લગભગ 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવે છે. છતાં હજારો બાળકો શાળામાંથી દૂર થઈ રહ્યા છે, જે શિક્ષણ તંત્ર અને સમાજ બંને માટે ચિંતાનો વિષય બન્યો છે.
ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધવા શિક્ષકોની ઝુંબેશ
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2030 સુધી 100 ટકા સાક્ષરતાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન બાદ જે વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા નથી, તેમની માહિતી એકત્ર કરીને શિક્ષકો સીધા તેમના ઘરે જઈ રહ્યા છે.
આ પહેલા મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના ઘરે જઈને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે અભિયાનમાં અમુક હદ સુધી સફળતા મળી હતી. હવે આ જવાબદારી શિક્ષકો નિભાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં જોડવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'મોટા પગાર છતાં નિષ્ઠાથી કામ કરતા નથી' : શિક્ષકો પર કૃષિ મંત્રી રમેશ કટારાના પ્રહાર
સ્થળાંતર બન્યું સૌથી મોટું કારણ
સર્વે દરમિયાન સૌથી મોટો પડકાર સ્થળાંતરનો સામે આવ્યો છે. સુરત શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય પરિવારો વસવાટ કરે છે. ઉનાળાના વેકેશન દરમિયાન ઘણા પરિવારો પોતાના વતનમાં ગયા હતા, પરંતુ વેકેશન પૂર્ણ થયા પછી પણ તેઓ સુરત પરત ફર્યા નથી.
કેટલાક પરિવારો રોજગારીની શોધમાં અન્ય શહેરો અથવા રાજ્યોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. પરિણામે વિદ્યાર્થીઓનું શિક્ષણ અચાનક અટકી જાય છે. ઘણી વખત શિક્ષકો જ્યારે આવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે ત્યારે વાલીઓ દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર બંધ મળી આવે છે અથવા સંપર્ક તૂટી ગયો હોય છે. આ પરિસ્થિતિમાં બાળક ક્યાં ગયો છે, તે કઈ શાળામાં ભણે છે કે ભણે છે પણ કે નહીં, તેની માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ બની જાય છે. શિક્ષણવિદોના મતે સુરતમાં ડ્રોપઆઉટનું સૌથી મોટું કારણ હાલ સ્થળાંતર છે.
આ પણ વાંચો: ગરમીનો કહેર યથાવત્ : ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું
ગરીબી અને મજૂરી પણ જવાબદાર
સ્થળાંતર બાદ સૌથી ગંભીર કારણ આર્થિક સંકટ અને ગરીબી છે. શહેરમાં વસતા અનેક શ્રમિક અને આર્થિક રીતે નબળા પરિવારો માટે રોજિંદું જીવન ચલાવવું જ પડકારરૂપ હોય છે. આવા સંજોગોમાં બાળકોનું શિક્ષણ પાછળ ધકેલાઈ જાય છે.
ઘણા પરિવારોમાં બાળકોને અભ્યાસ કરાવવાને બદલે આવકમાં સહયોગ આપવા માટે કામે મોકલવામાં આવે છે. કોઈ બાળક ચાની લારી પર કામ કરે છે, કોઈ દુકાનમાં મદદરૂપ બને છે તો કોઈ નાના-મોટા ધંધા સાથે જોડાઈ જાય છે. પરિણામે તેઓ ધીમે ધીમે શિક્ષણ વ્યવસ્થાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. શિક્ષકો દ્વારા આવા પરિવારોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત વાલીઓ બાળકોને શાળામાં મોકલવા તૈયાર થતા નથી. તેમના માટે પરિવારની આવક અને ઘરખર્ચ શિક્ષણ કરતાં વધુ મહત્વનો વિષય બની જાય છે.
આ પણ વાંચો: અમરેલીમાં એક તરફી પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંત : સગીરાના પરિવારે યુવકને માર મારતા યુવકનું થયું મોત
ઘરકંકાસ પણ બાળકોના ભવિષ્ય માટે ખતરો
ડ્રોપઆઉટ પાછળનું એક મહત્વનું કારણ ઘરેલુ વિખવાદ અને પારિવારિક અસંતુલન પણ છે. ઘણા પરિવારોમાં માતા-પિતા વચ્ચે મતભેદ, અલગ રહેવાની સ્થિતિ અથવા છૂટાછેડાની પરિસ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ સૌથી પહેલા અસરગ્રસ્ત બને છે.
ઘણી વખત બાળક માતા અથવા પિતા સાથે અન્ય સ્થળે જતો રહે છે, પરંતુ નવી શાળામાં તેનો પ્રવેશ થતો નથી. પરિણામે તે શિક્ષણની મુખ્યધારામાંથી બહાર નીકળી જાય છે. લાંબા સમય સુધી શાળાથી દૂર રહેવાથી બાળક ફરી અભ્યાસ તરફ વળે તેવી શક્યતા પણ ઓછી થઈ જાય છે.





