Home Gujarat Mumbai Ahmedabad Bullet Train Will Run First In Gujarat See Stations First Look

ગુજરાતમાં સૌથી પહેલા દોડશે બુલેટ ટ્રેન : કનેક્ટિવિટી અને સુવિધાઓમાં હશે વિશ્વસ્તરીય, જોઈ લો સ્ટેશનનો ફર્સ્ટ લુક

ગુજરાતમાં સૌથી પહેલા દોડશે બુલેટ ટ્રેન
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 01:36 PM IST

ભારતના સૌથી મોટા અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસ પહેલાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા ગુજરાતમાં આવેલા બુલેટ ટ્રેન સ્ટેશનોનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો માત્ર પ્રવાસનો એક માર્ગ નહીં, પરંતુ આરામ, સંસ્કૃતિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ હશે.

ગુજરાતના 8 સ્ટેશનો પર કામગીરી પૂરજોશમાં

ગુજરાતમાં આવેલા 8 સ્ટેશનો - સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા અને વાપી પર સ્ટ્રક્ચરલ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આંતરિક સજાવટ અને મુસાફરોની સુવિધા સંબંધિત કામગીરી ચાલી રહી છે. દરેક સ્ટેશનની ડિઝાઈન જે તે શહેરની સ્થાનિક ઓળખને પ્રતિબિંબિત કરતી હશે. ઉદાહરણ તરીકે, અમદાવાદ અને સુરતના સ્ટેશનોની ડિઝાઈનમાં શહેરના વારસા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

આ સ્ટેશનોમાં કુદરતી પ્રકાશ, હવાદાર જગ્યા અને સુંદર બાહ્ય ઢાંચો મુસાફરોને શાંત અને સુખદ અનુભવ આપશે. આ ઉપરાંત, આધુનિક ડિઝાઇન, સ્માર્ટ કનેક્ટિવિટી અને પર્યાવરણ-અનુકૂળ સુવિધાઓ સાથે મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે નવો હશે.

મલ્ટીમોડલ હબ અને કનેક્ટિવિટી

અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરતના સ્ટેશનોને મલ્ટીમોડલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે બુલેટ ટ્રેન સ્ટેશનથી મુસાફરો સરળતાથી ભારતીય રેલવે, મેટ્રો, બસ, ટેક્સી અને ઓટો સાથે જોડાઈ શકશે. તમામ સ્ટેશનો પર પૂરતી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે, જે મુસાફરીને વધુ સરળ બનાવશે.

પર્યાવરણ અને સુવિધાઓ પર વિશેષ ધ્યાન

બુલેટ ટ્રેનના સ્ટેશનોનું નિર્માણ કરતી વખતે પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે સોલાર પેનલ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ જેવી સુવિધાઓ હશે. સાથે જ, પ્રકૃતિને અનુરૂપ પેઈન્ટ, ટાઇલ્સ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરાશે.

મુસાફરોની સુવિધા માટે લિફ્ટ અને એસ્કેલેટરની સાથે સાથે સ્પષ્ટ ઇન્ડિકેટર્સ, ઇન્ફોર્મેશન કિઓસ્ક અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ હશે. સ્ટેશનો પર આરામદાયક વેઇટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, બાળકોની સંભાળ માટેની જગ્યા, ફૂડ કોર્ટ અને રિટેલ સ્ટોર્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. હાલમાં, એવું માનવામાં આવે છે કે બુલેટ ટ્રેનનો સૌપ્રથમ ટ્રાયલ ગુજરાતમાં જ કરવામાં આવશે, જેનાથી આ પ્રોજેક્ટની પ્રગતિની એક ઝલક મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now