MP Mansukh Vasava Letter : નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે સાંસદ મનસુખ વસાવાને વધુ એક નનામી પત્ર મળ્યો છે. આ પત્રમાં જિલ્લામાં ચાલી રહેલા વિવિધ ભ્રષ્ટાચારના મામલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ નનામી રીતે તેમને આ પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ કેટલાંક નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને ફાયદા મેળવવામાં આવે છે. તેમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ ઉમેરવામાં આવ્યું છે, જોકે મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે “રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. જ્યારે લોકો તેને પૈસા આપવા ગયા ત્યારે તેણે પૈસા લેવાની જગ્યાએ તેઓને ખવડાવી દીધાં હતાં.”
'અંદાજે દોઢ કરોડ રૂપિયાનો તોડ થયો...'
મનસુખ વસાવા મુજબ, તેમની પોતાની તપાસમાં પણ ઘણા મુદ્દા સાચા નીવડ્યા છે. કે વડિયામાં બિલ્ડર લોબી અને જમીન દલાલોએ બે વર્ષમાં કરોડો રૂપિયા કમાવ્યા હોય તેવી માહિતી સામેથી આવી છે. ગરુડેશ્વરના ગભાણા વિસ્તારમાં સરકારી જમીન પર રસ્તો બનાવવાની પ્રક્રિયામાં એક નેતાએ તોડફોડ કરાવી હતી જેમાં અંદાજે દોઢ કરોડ રૂપિયાનો તોડ થયો હોવાનું જણાવાયું છે. સરકારી જમીન પર દબાણ કરનારા લોકો પાસેથી પૈસા વસુલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે.
'ભ્રષ્ટાચાર થયો તે હકીકત છે'
સાંસદ વસાવાએ વધુમાં ઉમેર્યું કે, કેટલાક લોકોએ દબાણમાં આવી જમીન પોતાનાં નામે કરાવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે “અમે દબાયેલા હતા એટલે પૈસા આપીને નામે કરાવ્યું, પરંતુ ભ્રષ્ટાચાર થયો તે હકીકત છે.” ઉપરાંત, આમ આદમી પાર્ટીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું હોવાની બાબત પણ આ પત્રમાં ઉઠાવવામાં આવી છે. તેના દસ્તાવેજોમાં તે જમીન પત્નીના નામે દર્શાવવામાં આવે છે. વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યો કે “આટલા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? અડધી જમીન તેની હશે પણ અડધી તો રેલવેની છે. તો તે તેના નામે કેવી રીતે થઈ? આ પણ ગંભીર તપાસનો વિષય છે.”
“આ ભ્રષ્ટાચાર સામે હું એકલો બોલું છું''
મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ મામલામાં જે કોઈ પણ સંડોવાયેલા હશે, ભલે તે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે ‘AAP’ના તેમની સંપૂર્ણ તપાસ થઈને જ રહેશે અને હું આ વાત ઉપર સુધી પહોંચાડીશ” તેમણે અંતમાં કહ્યું કે, “આ ભ્રષ્ટાચાર સામે હું એકલો બોલું છું, બીજો કોઈ બોલતું નથી એટલે ઘણા લોકો તેમાં સંડોવાયેલા છે તે સ્પષ્ટ છે. હું આ સમગ્ર મામલામાં પૂરેપૂરી તપાસની માંગ કરું છું.”






