Vadodara News: શહેરના અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પિતાની જાણ બહાર બે પુત્રીઓની સરનેમ બદલી નાખવા બદલ વડોદરા કોર્ટના આદેશ બાદ માતા અને વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા સહિતના સ્ટાફ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર વિગત?
મૂળ દિલ્હીના અને હાલ ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક મિશ્રાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પત્ની અંકિતા ચૌહાણ, તેમની મરજી વિરુદ્ધ બંને દીકરીઓને મહેસાણા લઈ ગયા હતા. ત્યારબાદ વડોદરાની વિબ્ગ્યોર સ્કૂલમાં એડમિશન લેતી વખતે દીકરીઓની સરનેમ 'મિશ્રા' માંથી બદલીને 'ચૌહાણ' કરી દેવામાં આવી હતી. આ ફેરફાર માટે કોઈ કાયદેસરની પ્રક્રિયા કે કોર્ટના હુકમ વગર જ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
ભ્રષ્ટાચાર અને અનૈતિક સંબંધોના ગંભીર આક્ષેપ
અભિષેક મિશ્રાએ ફરિયાદમાં પત્નીના ચારિત્ર્ય અને ભૂતકાળ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના પત્નીના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે દૂધસાગર ડેરીમાં મોટું બોનસ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંકિતા ડેરીના HR વિભાગમાં રહીને યુવતીઓની ખોટી રીતે ભરતી કરતી હતી અને આ કૌભાંડની જાણ ફરિયાદીએ સરકારને કરતા અંકિતાને નોકરીમાંથી કાઢી મુકાઈ હતી. આરોપી મહિલા નામ બદલીને વિદેશ ભાગી જવાની પેરવીમાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સ્કૂલ મેનેજમેન્ટની સંડોવણી
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા અને પ્રિન્સિપાલને વારંવાર રજૂઆત કરવા છતાં, તેઓએ જાણીજોઈને ખોટા દસ્તાવેજોના આધારે નામ બદલ્યું હતું. સ્કૂલ દ્વારા વાલીઓ પર મોંઘી વસ્તુઓ ખરીદવા દબાણ કરાતું હોવાનું અને અગાઉ પણ શિક્ષણ વિભાગ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હાલમાં અટલાદરા પોલીસે કોર્ટના હુકમ બાદ છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સુરતની લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના કેટલાક અજાણ્યા કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.





