Home Gujarat Mp Mansukh Vasava And Mla Chaitar Vasava Literally Face To Face

'આવા તોડપાણી કરે છે હવે એમને ખુલ્લા પાડવાનાં...' : સાંસદ મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા શાબ્દિક આમને સામને

'આવા તોડપાણી કરે છે હવે એમને ખુલ્લા પાડવાનાં...'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 12:25 PM IST

Narmada Politics News : નર્મદા જિલ્લામાં આજે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને-સામને આવ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. ચૈતર વસાવાએ પ્રધાનમંત્રીના નર્મદા જિલ્લાના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલો ઉધારવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુપોષણ નિવારણ માટે કે સિકલસેલ રોગથી પીડાતા દર્દીઓ માટે પૂરતા પૈસા નથી, જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

બિલોની રકમ પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી

ચૈતર વસાવાનો આરોપ હતો કે, 'ભાજપના મળતીયાઓની એજન્સીઓને જ કામ આપવામાં આવ્યા છે અને તેમને જ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કાર્યક્રમમાં લાખો રૂપિયાનાં પાણીના બિલો, હોટલના બિલો તેમજ આવન-જાવન માટે બસોના કરોડો રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે. જો એક અઠવાડિયામાં આ બિલોની રકમ પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ચૈતર વસાવાએ આપી હતી.

75 લાખ રૂપિયાની માંગણીનો આક્ષેપ

આ સાથે જ ચૈતર વસાવાએ ભાજપ દ્વારા તેમના પર કરાયેલા 75 લાખ રૂપિયાની માંગણીના આક્ષેપોને સંપૂર્ણપણે પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે કોઈ પાસેથી આવી કોઈ માંગણી કરી નથી અને જો ભાજપ પાસે પુરાવા હોય તો તે જાહેર કરે. આ મુદ્દે તેમણે પોતાના મોબાઇલની કોલ ડિટેલ પણ તપાસવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ તમામ આક્ષેપોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખુલ્લા પાડવાનો દાવો કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ

સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે, 'ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતની જાણ અધિકારીએ જિલ્લા કલેક્ટરને કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાને માહિતી આપી હતી'. સાંસદે સ્પષ્ટ કહ્યું કે તેમણે અધિકારીઓને ચૈતર વસાવાને એકપણ રૂપિયો ન આપવા સલાહ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જિલ્લા કલેક્ટરે તેમના અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ માંગણી અંગે વાત કરી હતી, તેથી આક્ષેપ ખોટા હોવાનું કહેવું યોગ્ય નથી'.

તોડપાણી કરવાની રાજનીતિ કરવાનો આરોપ

સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર તોડપાણી કરવાની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વારંવાર આવા આક્ષેપો કરવામાં આવતા હોવાથી હવે તેમને સમગ્ર હકીકત જાહેર કરવાની ફરજ પડી છે. ભાજપના મુરતિયાઓને કામ આપવામાં આવ્યા હોવાના આરોપ અંગે સાંસદે ચૈતર વસાવાને યાદી રજૂ કરવાની પણ પડકાર આપી હતી. આ રીતે આજે બંને નેતાઓ વચ્ચે થયેલા ખુલાસા અને પ્રતિઆક્ષેપોથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now