બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે આપેલું નિવેદન હાલ રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના વિવિધ પક્ષોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગેનીબેનના ટીકાકારોને ચાબખા
આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે પોતાના ભાષણમાં સમાજના કેટલાક નેતાઓ અને ટીકાકારાઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, “લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન નહીં આપો તો ચાલશે.” તેમણે વધુમાં કહ્યું કે, “સમાજના કેટલાક લોકો નેતાઓ ટીકા કર્યા કરે છે, પરંતુ પોતે સમાજ માટે ક્યારેય કંઈ કરતાં નથી. અમુક લોકો દાનમાં એક રૂપિયો આપતા નથી, પરંતુ હિસાબ લેવા માટે સૌથી પહેલા પહોંચી જાય છે.”
કાર્યક્રમમાં કેટલાક સમાજના અગ્રણીઓની સૂચક ગેરહાજરી!
ગેનીબેનના આ નિવેદન બાદ ઠાકોર સમાજના વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને ભૂમિપૂજન કાર્યક્રમમાં કેટલાક સમાજના અગ્રણીઓની સૂચક ગેરહાજરીથી પણ રાજકીય ગરમી વધી ગઈ છે. ગેરહાજર રહેલા નેતાઓને ટાંકીને આપેલ આ વિવાદાસ્પદ નિવેદન હવે રાજકીય મંચો પર ચર્ચાનો વિષય બન્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરનું આ નિવેદન ઠાકોર સમાજના આંતરિક મતભેદોને ફરી સપાટી પર લાવતું દેખાઈ રહ્યું છે, અને આગામી દિવસોમાં આ મુદ્દો રાજકીય રીતે કઈ દિશામાં વળે છે તે જોવું રસપ્રદ રહેશે.






