Home Gujarat Ahmedabad Motera Amc Demolition Protest Near Asaram Ashram Ahmedabad

અમદાવાદમાં આસારામ આશ્રમ નજીક AMCનું ડિમોલિશન : 7 પરિવારો દ્વારા મકાન ખાલી કરાયા, સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

Ahmedabad Motera Demolition
Published by: Nirali Gohil
Last Updated: Jun 06, 2026, 05:21 AM IST

Ahmedabad Motera Demolition: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીક શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગેરકાયદે દબાણો દૂર કરવા માટે AMCની ટીમ સ્થળ પર પહોંચતા સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે સ્થાનિકોએ AMC અને પોલીસની ટીમને ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો પણ ઇનકાર કર્યો હતો. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા વાતાવરણ ભારેલા અગ્નિ જેવું બની ગયું હતું. કેટલાક સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેના કારણે પ્રશાસન વધુ સતર્ક બની ગયું હતું. સંભવિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના આદેશ મુજબ હાથ ધરાઈ કાર્યવાહી

માહિતી અનુસાર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ હાઈકોર્ટના આદેશને અનુસરીને આસારામ આશ્રમ નજીકના વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કામાં આશરે 36 જેટલા ગેરકાયદે મકાનો અને વધારાના બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારી જમીન પર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાથી કાર્યવાહી અનિવાર્ય બની હતી.

ઇન્દિરા આવાસ યોજના હેઠળ ફાળવાયા હતા પ્લોટ

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આશરે 40 વર્ષ પહેલાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ અનેક પરિવારોને પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. કુલ 37 સનદધારકોને કાયદેસર રીતે પ્લોટ આપવામાં આવ્યા હતા અને વર્ષોથી તેઓ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જોકે AMCના દાવા અનુસાર ઘણા સનદધારકોને 50 વાર જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ સમય જતાં કેટલાક લોકોએ 100થી 150 વાર સુધીનું બાંધકામ ઉભું કરી દીધું હતું. જેના કારણે ફાળવેલી જમીન કરતાં વધુ વિસ્તાર પર દબાણ સર્જાયું હોવાનું તંત્રનું કહેવું છે.

આ પણ વાંચો: RTE પ્રવેશનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ: હજુ 7,022 બેઠકો ખાલી, વાલીઓ માટે સ્કૂલ પસંદગીની નવી તક

7 પરિવારો દ્વારા મકાન ખાલી કરાયા

ડિમોલિશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કેટલાક પરિવારો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દેવામાં આવ્યા હતા. AMCના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 7 પરિવારો પોતાના મકાન ખાલી કરી ચૂક્યા છે.

તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વધારાના બાંધકામો દૂર ન થતાં આખરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોનો દાવો છે કે તેઓ વર્ષોથી અહીં રહે છે અને તેમના માટે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના કાર્યવાહી કરવી યોગ્ય નથી.

પુનર્વસનનો લાભ આપવામાં આવશે: AMC

AMCએ સ્પષ્ટતા કરી છે કે મૂળ 37 સનદધારકો અને તેમની સાથે રહેતા અલગ કુટુંબોને સરકારની નીતિ મુજબ પુનર્વસનનો લાભ આપવામાં આવશે. તંત્રનું કહેવું છે કે કાયદેસર હક ધરાવતા લોકોને કોઈ અન્યાય ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ પુનર્વસન પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા અને લેખિત ખાતરીની માંગ કરી છે. જેના કારણે ડિમોલિશન મુદ્દે સ્થાનિકો અને તંત્ર વચ્ચે ચર્ચા-વિચારણા પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર!: હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ

પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ પર નજર

વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આસારામ આશ્રમ નજીક ચાલી રહેલી આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે, કારણ કે એક તરફ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવાની વાત કરી રહ્યું છે તો બીજી તરફ સ્થાનિકો પોતાના રહેઠાણ અને પુનર્વસનના હકો માટે લડી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now