Monsoon Timetable 2026: ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ભારતીય રેલવેએ મુસાફરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દક્ષિણ ભારત તરફ જતી અને કોંકણ રેલવે માર્ગ પરથી પસાર થતી અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારે વરસાદ, ભૂસ્ખલનના જોખમ અને સલામતીના કારણોસર દર વર્ષે કોંકણ રેલવે પર વિશેષ મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ અનેક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી કોંકણ રેલવે રૂટ પર મોન્સૂન ટાઈમ ટેબલ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવશે, જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. તેના પરિણામે પશ્ચિમ રેલવે ઝોન હેઠળ દોડતી 24 જોડી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર અસર
સમયપત્રકમાં થયેલા ફેરફારોની સીધી અસર અમદાવાદ, ગાંધીધામ, જામનગર, ભાવનગર, વેરાવળ, પોરબંદર અને ઓખા સહિત ગુજરાતના વિવિધ સ્ટેશનો પર જોવા મળશે. દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર થતાં મુસાફરોએ અગાઉથી સમય ચકાસવો જરૂરી બનશે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, નવા સમયપત્રક હેઠળ કેટલીક ટ્રેનો અમદાવાદ સ્ટેશન પર અગાઉ કરતાં અલગ સમયે પહોંચશે અને રવાના થશે. તેથી નિયમિત મુસાફરી કરતા લોકો તેમજ લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરનારા મુસાફરો માટે આ જાણકારી અત્યંત મહત્વપૂર્ણ છે.
આ ટ્રેનોના સમયમાં થયો ફેરફાર
નવા મોન્સૂન ટાઈમ ટેબલ મુજબ ટ્રેન નં. 16311-12 શ્રીગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7:25 વાગ્યે પહોંચશે અને 7:35 વાગ્યે રવાના થશે. પરત ફરતી ટ્રેન સવારે 6:40 વાગ્યે પહોંચીને 6:50 વાગ્યે ઉપડશે. ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3:15 વાગ્યે આવશે અને 3:25 વાગ્યે રવાના થશે. પરત ફરતી આ ટ્રેન પણ સવારે 6:40 વાગ્યે પહોંચશે અને 6:50 વાગ્યે ઉપડશે. તે જ રીતે ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને ટ્રેનોના અમદાવાદ ખાતેના આગમન અને પ્રસ્થાનના સમયમાં સુધારા કરાયા છે.
આ પણ વાંચો: RTE પ્રવેશનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ: હજુ 7,022 બેઠકો ખાલી, વાલીઓ માટે સ્કૂલ પસંદગીની નવી તક
ભાવનગર, જામનગર અને પોરબંદરની ટ્રેનો પણ પ્રભાવિત
ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ હવે અમદાવાદ ખાતે બપોરે 3:15 વાગ્યે પહોંચશે અને 3:25 વાગ્યે રવાના થશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ રાત્રે 2:50 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 3:00 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત હાપા-મડગાંવ એક્સપ્રેસ, ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસ સહિત અનેક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
કોંકણ રેલવે પર દર વર્ષે લાગુ થાય છે મોન્સૂન ટાઈમ ટેબલ
કોંકણ રેલવે ભારતના સૌથી સુંદર પરંતુ પડકારજનક રેલવે રૂટમાંનો એક ગણાય છે. મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતો આ માર્ગ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવનાને કારણે વધુ સંવેદનશીલ બની જાય છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને દર વર્ષે મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ટ્રેનોની ગતિ ઘટાડવામાં આવે છે અને જરૂરી સ્થળોએ વિશેષ તકેદારી રાખવામાં આવે છે. પરિણામે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર અનિવાર્ય બની જાય છે.
આ પણ વાંચો: વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર!: હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ
મુસાફરોને રેલવેની ખાસ અપીલ
રેલવે વિભાગે મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનો અપડેટેડ સમય ચકાસવાની સલાહ આપી છે. સ્ટેશન પર અનાવશ્યક રાહ જોવી ન પડે અને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મુસાફરોએ રેલવેની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ અથવા ઇન્ક્વાયરી સેવાઓ મારફતે સમયપત્રકની ખાતરી કરી લેવી જોઈએ. ખાસ કરીને દક્ષિણ ભારત તરફ જતી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારાઓ માટે આ ફેરફારો જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે આગામી ચાર મહિના સુધી મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં રહેશે.





