રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કો અને આસપાસના વિસ્તારો પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાઓમાં એક ભારતીય કામદારનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ ભારતીયો ઘાયલ થયા છે. રશિયામાં આવેલા ભારતીય દૂતાવાસે રવિવારે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. હુમલાએ મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ભય અને અફરાતફરી ફેલાવી દીધી છે.
રિપોર્ટ મુજબ, યુક્રેન દ્વારા રશિયા પર સૈંકડો ડ્રોન સાથે એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં 1000થી વધુ ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યા અથવા તોડી પાડવામાં આવ્યા. તેમ છતાં કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તાર સુધી પહોંચી ગયા હતા અને રહેણાંક વિસ્તારો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું હતું.
ભારતનાં પાડોશી દેશોમાં શું છે પેટ્રોલ-ડીઝલનાં ભાવ: જાણો કયા દેશમાં ભારત કરતાં છે સસ્તું પેટ્રોલ-ડીઝલ
ભારતીય દૂતાવાસે આપી માહિતી
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે હુમલામાં મૃત્યુ પામનાર ભારતીય કામદાર વિશે પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે અને ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. દૂતાવાસ સ્થાનિક રશિયન સત્તાધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સુધી મૃતક અને ઘાયલ ભારતીયોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ઘટનાએ ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધમાં વિદેશી કામદારો અને નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મોસ્કો પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાઓમાંનો એક
રશિયન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, માત્ર મોસ્કો તરફ જ 80થી વધુ ડ્રોન મોકલવામાં આવ્યા હતા. અનેક રહેણાંક ઈમારતોને નુકસાન થયું અને કેટલાક વિસ્તારોમાં આગ લાગી હતી. મોસ્કોના શેરેમેત્યેવો એરપોર્ટ પર પણ ડ્રોનના કાટમાળ પડ્યા હોવાની માહિતી સામે આવી છે, જોકે એરપોર્ટને મોટું નુકસાન થયું નથી. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન દ્વારા કરવામાં આવેલો આ હુમલો છેલ્લા એક વર્ષમાં મોસ્કો પરનો સૌથી મોટો ડ્રોન હુમલો છે. હુમલામાં મોસ્કો નજીકના ખિમકી અને પોગોરેલ્કી વિસ્તારોમાં પણ લોકોના મોત થયા છે. કુલ ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
BLAનો મોટો દાવો: પાકિસ્તાનના નકશામાંથી આ આખો વિસ્તાર સાફ?: બલૂચિસ્તાનમાં આખું શહેર કબજે કરી 11 સૈનિકોને ઠાર કર્યાનો સનસનાટી પૂર્ણ દાવો
યુક્રેનનો બદલો કે યુદ્ધની નવી રણનીતિ?
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસો પહેલાં રશિયાએ કીવ સહિત યુક્રેનના અનેક શહેરો પર ભારે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી હતી. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે રશિયા જે રીતે યુક્રેનના શહેરો પર હુમલા કરી રહ્યું છે, તેના જવાબમાં યુક્રેનની કાર્યવાહી “પૂર્ણપણે યોગ્ય” છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે યુદ્ધ હવે વધુ ઊંડાઈ સુધી બંને દેશોના આંતરિક વિસ્તારોને અસર કરી રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોની ચિંતા ફરી વધી
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અગાઉ પણ અનેક ભારતીયો રશિયન સેનામાં અથવા કામદારી માટે જઈને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હોવાના કેસ સામે આવ્યા હતા. ભારત સરકારે અગાઉ ચેતવણી આપી હતી કે રશિયામાં નોકરીના બહાને લોકોને યુદ્ધ ઝોનમાં મોકલવામાં આવી શકે છે. તાજેતરના મહિનાઓમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ભારત સરકારે મોસ્કો સાથે ચર્ચા પણ કરી હતી. હવે મોસ્કોમાં થયેલી આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં કામ કરતા ભારતીયોની સુરક્ષા અને સંકટકાળીન સહાય પ્રણાલીની ચર્ચા તેજ કરી છે.
યુદ્ધ વધુ જોખમી તબક્કામાં
વિશ્લેષકો માને છે કે બંને દેશો હવે લાંબા અંતરના ડ્રોન યુદ્ધને વધુ આક્રમક રીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. યુક્રેન છેલ્લા કેટલાક મહિનાથી રશિયાની અંદર ઊંડે સુધી હુમલાઓ કરી રહ્યું છે, જ્યારે રશિયા યુક્રેનના ઊર્જા અને રહેણાંક માળખા પર સતત હુમલા કરી રહ્યું છે. આ પરિસ્થિતિ યુરોપીયન સુરક્ષા માટે પણ ચિંતા ઉભી કરી રહી છે. સતત વધી રહેલા ડ્રોન હુમલાઓથી સામાન્ય નાગરિકો સીધા જોખમમાં આવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધને રોકવા માટે નવા દબાણની માંગ ઉઠી રહી છે.





