Narmda Canal Car Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ પાસે આજે વહેલી સવારે નર્મદા કેનાલના વલ્લભીપુર બ્રાન્ચ પર એક ભયજનક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી કેનાલ પર મુકેલા ત્રણ ડીઝલ પાવરવાળા પાણીના મશીનો સાથે જોરદાર અથડાઈ હતી. આ અથડામણથી ત્રણેય મશીનોના પરખાચ્ચા ઉડી ગયા હતા અને કારનું પણ મોટું નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના આજે સવારે લગભગ 5:45 વાગ્યે બની હતી. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે, કાર અમદાવાદ તરફથી આવતી હતી અને ઝડપ વધારે હોવાથી ચાલકને અચાનક સ્ટીયરીંગ પર કંટ્રોલ ન રહ્યો.
સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો
અકસ્માતની જાણ થતાંની સાથે જ આસપાસના ખેડૂતો અને પસાર થતા લોકો દોડી આવ્યા હતા. કારમાંથી લોહીલુહાણ હાલતમાં ચાલકને બહાર કાઢવામાં આવ્યો. તેનું નામ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેની ઉંમર આશરે 35-40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને તાત્કાલિક લખતરની સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી પછી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
સેફ્ટી બેરિયર માટે સ્થાનિકોની માંગ
સદનસીબે કાર ડીઝલ મશીનો સાથે અથડાઈને અટકી પડી હતી. જો તે આગળ વધીને નર્મદા કેનાલના ઊંડા પાણીમાં પડી જાત તો મોટી જાનહાની થઈ શકતી હતી. આ ઘટનાએ ફરી એકવાર કેનાલની આસપાસ રસ્તાઓ પર સેફ્ટી બેરિયર અને સ્પીડ લિમિટની જરૂરિયાત ઉભી કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવા અકસ્માતો અગાઉ પણ બન્યા છે, પરંતુ હજુ સુધી નર્મદા નિગમ કે પંચાયત દ્વારા કોઈ કાયમી ઉપાય નથી કરવામાં આવ્યો.






