Ahmedabad BLO Protest : અમદાવાદના ખોખરામાં આવેલી કે. કે. શાસ્ત્રી કોલેજ ખાતે આજે 200 થી વધુ બૂથ લેવલ ઓફિસરો (BLO) એ ધરણા યોજ્યા છે. ચૂંટણી પ્રક્રિયા હેઠળ તેમને સોંપવામાં આવેલી ‘મેપિંગ’ની કાર્યપદ્ધતિ અત્યંત જટિલ અને ભારરૂપ હોવાના કારણે તેમણે આ વિરોધ વ્યક્ત કર્યો છે. BLO ઓનો આક્ષેપ છે કે, અધિકારીઓ તેમની પર અનાવશ્યક દબાણ કરી રહ્યા છે, જેના કારણે તેઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
‘મેપિંગ’ બોજ!
BLO ઓનું કહેવું છે કે, પહેલાં ASD (Absentee–Shifted–Dead) વેરિફિકેશનનું વધતું કામ તેમના માટે પડકારરૂપ બન્યું હતું, અને હવે તેમાં વધુમાં ‘મેપિંગ’ની જવાબદારી ઉમેરાતા તેમની પર કામનો ભારે બોજ આવી ગયો છે. તેઓ જણાવે છે કે મેપિંગ પ્રક્રિયામાં ઓનલાઈન વિગતો શોધવી અત્યંત મુશ્કેલ બની રહી છે, ખાસ કરીને જૂના રેકોર્ડ્સ મેળવવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
'અતિ જટિલ સિસ્ટમ અને અયોગ્ય દબાણ'
ઘણા BLOઓએ તો આ પણ જણાવ્યું છે કે ફોર્મમાં 2002ની વિગતો ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે આજના સમયમાં શોધવી ઘણી જટીલ છે. આ બધાં કારણોસર BLO ઓએ એકજૂથ થઈ વિરોધ નોંધાવ્યો હતો અને પ્રક્રિયાને સરળ બનાવવાની માંગણી કરી છે. સરકારી તંત્રની મુખ્ય ભૂમિકા ધરાવતા BLO ઓએ કહ્યું છે કે તેઓ નિયમિત કામગીરી માટે પ્રતિબદ્ધ છે, પરંતુ અતિ જટિલ સિસ્ટમ અને અયોગ્ય દબાણ વચ્ચે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.






