Morbi News: ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ફરી એકવાર પોતાના આક્રમક તેવર બતાવીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે પક્ષના જ આંતરિક વિરોધીઓ અને હોદ્દેદારોને આડકતરી રીતે આડે હાથ લીધા છે, જેનાથી સ્થાનિક ભાજપમાં ચાલતો આંતરિક જુથવાદ હવે જાહેરમાં આવ્યો હોય તેમ જણાય છે.
સ્વાગત કાર્યક્રમમાં હોદ્દેદારોની ગેરહાજરી ચર્ચાનો વિષય
તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં કાંતિલાલ અમૃતિયાના સ્વાગત માટે જિલ્લા ભાજપ પ્રમુખ કે યુવા મોરચાના પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષને પગલે આ ગેરહાજરીની ભારે ચર્ચા થઈ હતી. જેનો જવાબ આપતા કાંતિલાલ અમૃતિયાએ જરાય ખચકાયા વગર વિરોધીઓ પર શબ્દપ્રહારો કર્યા હતા.
"ફુગ્ગા અને ટાયર"નું ઉદાહરણ આપી વિરોધીઓને પછાડ્યા
જે લોકોને એવું લાગતું હતું કે કાંતિલાલની ગેરહાજરીમાં મેદાન મોકળું થઈ ગયું છે, તેમને જડબાતોડ જવાબ આપતા અમૃતિયાએ જણાવ્યું હતું કે ફુગ્ગામાં હવા વધુ સમય ન ટકે, એ ટેમ્પરરી હોય. અત્યારે તો માર્કેટમાં હવા વગરના ટાયર આવ્યા છે અને અમે એ છીએ. એના પર ગમે તેટલા ટન વજન આવી જાય તો પણ કશું ન થાય, જ્યારે પેલા તો બધા ફુગ્ગા છે." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમની રાજકીય મજબૂતી કોઈ પદ કે હવાની મહોતાજ નથી, પરંતુ તેઓ પાયાના અને મજબૂત નેતા છે.
"1997માં મુખ્યમંત્રીને પણ અડી ગયા હતા" - જૂની યાદો તાજી કરી ચેતવણી આપી
કાર્યક્રમમાં ગેરહાજર રહેલા ભાજપના જ આગેવાનોને નિશાન બનાવતા કાંતિલાલ અમૃતિયાએ અત્યંત ધારદાર ભાષામાં કહ્યું હતું કે, આવા લોકોને અમારી બાજુમાં બેસવું હોય તોય અડી જવાની બીક લાગે છે. અને અમે અડી પણ જઈએ, એમાં વાર ન લાગે. 1997માં તો અમે મુખ્યમંત્રીને પણ અડી ગયા હતા." તેમણે ભૂતકાળના કિસ્સાઓને ટાંકીને એવો ગર્ભિત ઈશારો કર્યો છે કે જો કોઈ તેમની અવગણના કરવાનો પ્રયાસ કરશે તો તેઓ વળતો પ્રહાર કરતા અચકાશે નહીં.
કાંતિલાલ અમૃતિયાના આ નિવેદન બાદ મોરબી જિલ્લા ભાજપમાં જૂથબંધીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી સમયમાં આ વિવાદ શાંત પડે છે કે પછી શિસ્તભંગના પગલાં લેવાય છે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો "કાનાભાઈ" ના આ અંદાજે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ધૂમ મચાવી દીધી છે.






