Mojtaba Khamenei: મિડલ ઈસ્ટમાં ભલે યુદ્ધ થંભી ગયું હોય, પરંતુ અમેરિકી અને ઈઝરાયલી હુમલાઓએ ઈરાનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને બોલવામાં પણ ભારે તકલીફ પડી રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભીષણ તબાહી મચી હતી. આ હુમલાઓમાં અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો વચ્ચે હવે દાવો કરાઈ રહ્યો છે કે ઈરાનના સંભવિત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. તેમનો ચહેરો નોંધપાત્ર રીતે દાઝી ગયો છે અને તેઓ જાહેરમાં ન દેખાવા પાછળનું એક વિચિત્ર કારણ 'કાળો જાદુ' પણ હોવાનું કહેવાય છે. ડર છે કે તેમની નવી તસવીરોનો ઉપયોગ ઈઝરાયેલ 'જાદુ-ટોણા' માટે કરી શકે છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય અને મગજ પર અસર પડી શકે છે.+
બોલવામાં થઈ રહી છે તકલીફ
'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, મોજતબા ખામેનેઈને વાતચીત કરવામાં પડતી મુશ્કેલીને કારણે તેમણે નિર્ણય લેવાની સત્તા રિવોલ્યુશનરી ગાર્ડના જનરલોને સોંપી દીધી છે. મોજતબા સુધીના સંદેશાઓ હવે લખીને એક વિશ્વસનીય માનવ સાંકળ (Human Chain) દ્વારા પહોંચાડવામાં આવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે હુમલામાં તેમનો ચહેરો અને હોઠ ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમને કોસ્મેટિક સર્જરીની જરૂર પડશે. તેમના એક હાથની સર્જરી થઈ છે અને તેઓ ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે. હુમલામાં એક પગ ગુમાવ્યા બાદ તેઓ અત્યારે નકલી અંગ (Prosthetic Limb) લગાડવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેમની માનસિક સ્થિતિ હજુ પણ સ્થિર હોવાનું કહેવાય છે.
કાળા જાદુનો ડર
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન પોતે એક ડૉક્ટર હોવાથી મોજતબાની સારવારમાં મદદ કરી રહ્યા છે. તેઓ અત્યારે ડૉક્ટરોની એક વિશેષ ટીમની સુરક્ષામાં છે. આ સિવાય, ઈરાનને જે સૌથી મોટો ડર સતાવી રહ્યો છે તે છે 'કાળો જાદુ'. ઈરાની નેશનલ સિક્યોરિટી કમિશનના સભ્ય સાલાર વિલાયતમાદારે જણાવ્યું કે, સુરક્ષા અધિકારીઓ અને ધાર્મિક વિદ્વાનોએ મળીને નિર્ણય લીધો છે કે મોજતબાનો કોઈ નવો ફોટો કે વીડિયો જાહેર કરવામાં આવશે નહીં.
ઈઝરાયેલ જાદુ-ટોણા પર રિસર્ચ કરતું હોવાનો દાવો
ઈરાનનો દાવો છે કે તેલ અવીવ જેવા શહેરોમાં એવી સંસ્થાઓ છે જ્યાં 'ગુપ્ત વિદ્યાઓ' અને 'જાદુ-ટોણા' પર સંશોધન કરવામાં આવે છે. ઈરાન સરકાર અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી પછી તે મિસાઈલનો ખતરો હોય કે કાળા જાદુનો. ઈરાની મીડિયા અને કેટલાક ધાર્મિક નેતાઓનો એવો પણ આરોપ છે કે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ સૈન્ય શક્તિની સાથે 'અદ્રશ્ય શક્તિઓ' અને 'જિન્નો'નો પણ સહારો લઈ રહી છે. અગાઉ પણ ઈરાને ઈઝરાયેલ પર પોતાની સરહદો પાસે તંત્ર-મંત્રનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.





