Home International Us Iran War Israel Ready Stone Age Fight Third Aircraft Carrier Deployed

ઈરાન સાથે ફરી મહાયુદ્ધના એંધાણ? : અમેરિકાએ તૈનાત કર્યું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર, ઈઝરાયેલે કહ્યું- ‘ઈરાનને પથ્થર યુગમાં ધકેલી દેવા અમે તૈયાર’

US Iran War Israel Stone Age Threat
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 06:06 AM IST

US Iran War: પશ્ચિમ એશિયામાં શાંતિની આશાઓ પર ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની વાતો ચાલી રહી હોવા છતાં, છેલ્લા બે દિવસની હિલચાલ સૂચવે છે કે ગમે ત્યારે મોટો લશ્કરી ટકરાવ થઈ શકે છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકાએ તેનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર આ વિસ્તારમાં તૈનાત કરી દીધું છે. બીજી તરફ, ઈઝરાયેલે પણ ઈરાનને 'પથ્થર યુગ' (Stone Age) માં ધકેલી દેવાની ગંભીર ધમકી આપી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

પશ્ચિમ એશિયામાં અમેરિકાની તાકાતમાં વધારો: ત્રીજું એરક્રાફ્ટ કેરિયર તૈનાત

યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, 'યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' (USS George H.W. Bush) પશ્ચિમ એશિયામાં પહોંચી ગયું છે. આ સાથે હવે આ વિસ્તારમાં અમેરિકાના ત્રણ શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર્સ—યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ, યુએસએસ અબ્રાહમ લિંકન અને હવે યુએસએસ બુશ હાજર છે. અમેરિકાનો આ સૈન્ય જમાવડો ઈરાન પર દબાણ લાવવા અને હોર્મુઝના જળમાર્ગ પર તેની પકડ મજબૂત કરવા માટે છે, જ્યાંથી વિશ્વનો 20% તેલ સપ્લાય પસાર થાય છે.

ઈઝરાયેલની 'ગ્રીન સિગ્નલ'ની રાહ: ઈરાનનું અર્થતંત્ર તબાહ કરવાની યોજના

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે, આઈડીએફ (IDF) રક્ષણાત્મક અને આક્રમક બંને રીતે તૈયાર છે. તેમણે કહ્યું, "અમે અમેરિકાના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છીએ. અમે ઈરાનના ઊર્જા મથકો અને વીજળી સુવિધાઓને નષ્ટ કરીને તેને અંધકાર યુગ અને પથ્થર યુગમાં ધકેલી દેવા માટે સક્ષમ છીએ." ઈઝરાયેલની યોજના ઈરાનના રાષ્ટ્રીય આર્થિક માળખાને તોડી પાડવાની અને ખમેની શાસનનો અંત લાવવાની છે.

આ પણ વાંચો: ‘સુરંગ બિછાવતી બોટ દેખાય તો સીધી ગોળી મારો’ : હોર્મુઝના દરિયામાં ઈરાને બિછાવી સુરંગો, ટ્રમ્પે આપ્યા 'શૂટ એન્ડ કિલ'ના ઓર્ડર

ઈરાનનું કડક વલણ: મોજતબા ખમેનીની સ્થિતિ અંગે સસ્પેન્સ

ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી. અહેવાલો મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખમેની ગંભીર રીતે ઘાયલ હોવાથી હાલમાં સૈન્ય નિર્ણયો લેવાની સત્તા રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના જનરલો પાસે છે. મોજતબા ખમેની લાંબા સમયથી જાહેરમાં દેખાયા નથી, જેના કારણે તેમની તબિયત વિશે અનેક અટકળો વહેતી થઈ છે. જોકે, ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તેઓ ઘાયલ હોવા છતાં માનસિક રીતે સજાગ છે અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

શાંતિ મંત્રણા પર જોખમ

પાકિસ્તાનમાં યોજાનારી સંભવિત શાંતિ મંત્રણાઓ અત્યારે અધ્ધરતાલ છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને કરેલી નાકાબંધીને કારણે તેલ અને ગેસના ભાવમાં ઉછાળો આવવાની ભીતિ છે. જો રાજદ્વારી માર્ગે ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક ભયાનક યુદ્ધ ફાટી નીકળે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now