નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં મધ્યમ વર્ગને અસર કરનારા અનેક નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં સૌથી મોટી રાહત ઇન્કમ ટેક્સમાં જોવા મળી. બજેટ 2025-26માં નવી કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ શૂન્ય રાખવામાં આવ્યો, જ્યારે પગારદાર કરદાતાઓ માટે ₹75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ અસરકારક મર્યાદા ₹12.75 લાખ સુધી જાય છે.
ટેક્સ અને ઘરખરીદીમાં રાહત
મિડલ ક્લાસ માટે ઘર ખરીદવું લાંબા સમયથી મોટો આર્થિક નિર્ણય રહ્યો છે. PMAY-U 2.0 હેઠળ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના 1 કરોડ પરિવારોને ઘર માટે સહાય આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં ₹10 લાખ કરોડના રોકાણ અને ₹2.30 લાખ કરોડની સરકારી સબસિડીની જોગવાઈ છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય વેતન પંચની પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ છે. સરકારે ઓક્ટોબર 2025માં તેના Terms of Reference મંજૂર કર્યા અને કમિશન નવેમ્બર 2025માં રચાયું. આ ભલામણો પગાર, ભથ્થાં અને પેન્શન પર અસર કરી શકે છે.
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે કામના સમાચાર!: 14 જૂન સુધી અનેક ટ્રેનો રદ, જાણો કયા રૂટ બદલાયા અને કઈ ટ્રેનો રહેશે કેન્સલ
સામાજિક સુરક્ષા અને ડિજિટલ ચુકવણી
અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જેવી યોજનાઓએ ઓછા પ્રીમિયમમાં વીમા અને પેન્શન સુરક્ષા ઉપલબ્ધ કરાવી. ખાસ કરીને અનૌપચારિક અને નીચલા-મધ્યમ આવકવર્ગ માટે આ યોજનાઓ આર્થિક જોખમ સામે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.
ડિજિટલ ઇન્ડિયા અને UPI પણ મધ્યમ વર્ગના રોજિંદા જીવનમાં મોટો ફેરફાર લાવનાર રહ્યા. PIB મુજબ UPIએ 10 વર્ષ પૂર્ણ કરતાં ભારતના રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે આગળ ધપાવ્યું છે અને 2024માં વિશ્વના રિયલ-ટાઇમ પેમેન્ટ વોલ્યુમમાં UPIનો લગભગ 49 ટકા હિસ્સો નોંધાયો હતો.
પેટ્રોલ પછી હવે ડીઝલમાં પણ થશે મોટો ફેરફાર?: મિશ્રણની તૈયારીમાં સરકાર, કરોડો વાહનચાલકો પર પડશે અસર
GST અને વીમા પ્રીમિયમનો મુદ્દો
GST લાગુ થયા બાદ કર પ્રણાલીમાં એકરૂપતા આવી, જોકે શરૂઆતમાં કેટલાક ક્ષેત્રોમાં દરોને લઈને ચર્ચા રહી. 22 સપ્ટેમ્બર 2025થી વ્યક્તિગત જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર GST મુક્તિનો નિર્ણય મધ્યમ વર્ગ માટે મહત્વનો માનવામાં આવે છે, કારણ કે વીમા પ્રીમિયમનો કુલ ખર્ચ ઘટે છે.
આ તમામ નિર્ણયોની અસર એકસરખી નથી. ટેક્સ રાહતથી પગારદાર વર્ગને સીધી બચત થાય છે, ઘર યોજનાઓથી પ્રથમ ઘર ખરીદનારાઓને મદદ મળે છે, વીમા પર GST છૂટથી સુરક્ષા સસ્તી બને છે અને UPIથી નાણાકીય વ્યવહારો સરળ બન્યા છે. સાથે જ રોજગાર, મોંઘવારી અને શહેરી રહેણાંક ખર્ચ જેવા મુદ્દાઓ મધ્યમ વર્ગ માટે હજુ પણ પડકારરૂપ છે.






