Home Gujarat Mla Mp Come To The Aid Of The Family Of Those Kidnapped In Libya

લીબિયામાં અપહરણ કરાયેલા પરિવારની વ્હારે આવ્યા MLA-MP : મયંક નાયકે વિદેશ મંત્રીને લખ્યો પત્ર, ડો સી જે ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

લીબિયામાં અપહરણ કરાયેલા પરિવારની વ્હારે આવ્યા MLA-MP
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 09:12 AM IST

ઉત્તર ગુજરાતમાંથી વધુ એક પરિવારના કીડનેપિંગની ચકચારભરી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના બદલપુરા ગામનો એક પરિવાર પોર્ટુગલ જવાની આશાએ ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દુબઈથી પોર્ટુગલ જવાની જગ્યાએ તેમને લીબિયા મોકલી દેવામાં આવ્યા અને ત્યાં તેમને બંધક બનાવી લેવાયા હોવાની માહિતી સામે આવી છે. લીબિયામાં પતિ, પત્ની અને તેમની નાની દીકરીનું અપહરણ થતાં સમગ્ર પરિવારજનોમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો છે.

દુબઈથી લીબિયા મોકલી ત્યાં બંધક બનાવવામાં આવ્યા!

મળતી માહિતી મુજબ,પતિ, પત્ની અને તેમની 2થી 3 વર્ષની માસૂમ દીકરી 30 નવેમ્બરે દુબઈ જવા માટે રવાના થયા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બરે પરિવારને અપહરણ થયાની જાણકારી મળી હતી. અપહરણકારોએ પરિવારની મુક્તિ બદલ 2 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે. પરિવાર પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ માનવ તસ્કરો દ્વારા દુબઈથી લીબિયા મોકલી ત્યાં બંધક બનાવવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધારાસભ્ય અને સાંસદ આવ્યા મદદે

આ ગંભીર મામલે વિજાપુરના ધારાસભ્ય ડો સી જે ચાવડાએ મુખ્યમંત્રી કચેરીમાં રજૂઆત કરી છે. સાથે જ રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખી આ પરિવારને સુરક્ષિત રીતે પરત લાવવા તાત્કાલિક મદદ માગી છે. સાંસદ દ્વારા લીબિયામાં આવેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ મારફતે પણ મદદ માટે રજૂઆત કરવામાં આવી છે. સરકાર સમક્ષ પીડિત પરિવારની સુરક્ષિત વાપસીનીની માંગ કરવામાં આવી છે.

'આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે'

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક આગેવાન દિનેશ સુથારે નિવેદન આપ્યું છે કે આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે, પરંતુ ઘણા મામલા બહાર આવતાં નથી. કેટલાક પરિવારો પૈસા આપી છૂટી જાય છે, જ્યારે કેટલાક પાસે પૈસા ન હોવાથી તેમની સાથે અત્યંત ગંભીર ઘટનાઓ પણ બની જાય છે. ક્યારેક તો અપહૃત લોકોને ગોળી મારી દેવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઘણી કંપનીઓ અને એજન્ટો સાચા પણ હોય છે, પરંતુ વિદેશ જવા ઇચ્છુક લોકોએ હંમેશા કાયદેસર રીતે, ટુરિસ્ટ અથવા સ્ટુડન્ટ વિઝા જેવા યોગ્ય માધ્યમથી જ જવું જોઈએ'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now