બનાસકાંઠાના દાંતામાં ધારાસભ્ય કાંતિ ખરાડી આદિજાતિના દાખલા મુદ્દે હલ્લાબોલ કરી ચક્કા જામ કર્યો હતો. અત્રે જણાવીએ કે, આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓની વિસંગતતા ને લઈને દાતા ધારાસભ્ય સહિત આદિવાસી લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.
કાંતિ ખરાડીએ નોંધાવ્યો વિરોધ
ધારાસભ્ય કાંતિ ખરાડીના વિરોધના પગલે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની બેઠકમાં વિક્ષેપ પડ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકો સાથે રોડ પર ચક્કાજામ કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. તે દરમિયાન કાંતિ ખરાડીએ કહ્યું કે, ''હું ધારાસભ્ય છું.. ધારાસભ્ય..''
મંત્રી બળવંતસિંહની ગાડી રોકીને રજૂઆત કરી
કાંતિ ખરાડી અને તેમના સમર્થકોએ પ્રભારી મંત્રી બળવંતસિંહની ગાડી રોકીને તેમને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ મંત્રીને કહ્યું કે, ''તમામ પુરાવા સરકાર પાસે જ છે, અમે પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું''.
''1950ના પુરાવા ગામડાઓમાં ન હોય''
ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે, ''તાજેતરમાં સરકાર 1950ના પુરાવા મંગાવે છે તે પુરાવા ગામાડાના આદિજાતિના લોકો પાસે નથી અને હોઈ પણ ન શકે. છ -છ પેઢીઓના પુરાવા ગામાડાઓ ન મળે તે સ્વભાવિક છે. તેમજ 1948માં જે સરવે કરવામાં આવ્યું હતું તે તમામના રેકડ સરકાર પાસે જમા છે, ત્યારે 1950ના પુરાવા સરકારે ન માંગવા જોઈએ. કાયદેસરના અમારા આદિજાતિના દાખલા છે તે મળવા જોઈએ, જે દાખલા નહી મળે તો સમગ્ર આદિવાસી દીકરા - દીકરીઓ ભણી રહ્યાં છે તેમનો મોટું નુકસાન જશે''.
''આશા અને અપેક્ષા એજ છે...''
કાંતિ ખરાડીએ જણાવ્યું કે, ''સરકારને વિનંતી કરી છે, કલેક્ટર મારફતે પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ આજે મંત્રી ખુદને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, ત્યારે આશા અને અપેક્ષા એજ છે આજના દિવસથી આદિજાતિના દાખલામાં છૂટછાટ થાય''.






